અમદાવાદ-ભાવનગર હાઇવે ચાલુ જ રહેશે, ભારે વિવાદ તઘલખી નિર્ણય પાછો ખેંચ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ahmedabad-Bhavnagar Short Route : ફોર લેન એક્સપ્રેસવેના નિર્માણ કાર્યને કારણે આજથી (14-04-2023) થી ડિસેમ્બર 2023 સુધી બંધ રાખવાનું જાહેરનામું અમદાવાદના જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. જો કે ભારે વિવાદ વચ્ચે આખરે આ જાહેરનામું રદ્દ કરવાની ફરજ પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ નિર્ણયને તઘલખી ગણાવીને કોંગ્રેસ પાર્ટી અને તેના સાંસદો સહિત અનેક લોકોએ તેનો વિરોધ કર્યો હતો. જેના પગલે ભારે વિરોધને જોતા આખરે આ નિર્ણય રદ્દ કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ શોર્ટ રૂટ બંધ થવાનાં કારણે સુરત અને અમદાવાદથી ભાવનગર, તળાજા, મહુવા, રાજુલા, ઉના અને દિવ જતી સેંકડો બસોને ખુબ જ લાંબો રૂટ પસાર કરીને જવું પડે તેવી સ્થિતિ હતી. આ રૂટ બંધ થવાના કારણે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓના પરિવહન પર અસર પડે તેવી શક્યતા હતી. જો કે હવે આ નિર્ણય પરત ખેંચી લેવામાં આવતા આખરે બસ ચાલકો, ટ્રાન્સપોર્ટર અને સામાન્ય નાગરિકોને હાશકારો થયો હતો.

અગાઉના જાહેરનામા અનુસાર ભાવનગર ધોલેરા માર્ગ બંધ થવાના કારણે વૈકલ્પિક માર્ગ તરીકે વલ્ભીપુર અને ધંધુધા ફેદરા થઇને પસાર થવા માટે જણાવવામાં આવ્યું હતું. જો કે વલભીપુર ફેદરાનો માર્ગ ડબલપટ્ટી હોવાના કારણે ઉપરાંત આ રૂટ પર પહેલાથી જ પોતાનો ટ્રાફીક ઉપરાંત સુરત અને અમદાવાદનો ટ્રાફીક ડાયવર્ટ થવાના કારણે ભારે ટ્રાફીક જામ થાય તેવી શક્યતા હતી. આ ટ્રાફીક સુરતના ગોલ્ડન બ્રિજ જેવો જ માથાનો દુખાવો સાબિત થાય તેવી શક્યતાને જોતા આખરે આ જાહેરનામું રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

ADVERTISEMENT

અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસનો આક્ષેપ હતો કે, કોન્ટ્રાક્ટરને ફાયદો થાય તે માટે આ રૂટ બંધ કરવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટની શરતો અનુસાર જ્યારે કામ ચાલતું હોય ત્યારે બાજુમાં ડામરનો રોડ બનાવવો તે કોન્ટ્રાક્ટરની ફરજ હતી. તેથી રોડ બંધ ન કરી શકાય પરંતુ બાજુમાં બીજો રોડ બનાવી આપવો પડે પરંતુ કોન્ટ્રાક્ટર સાથે મિલીભગતના કારણે સરકાર દ્વારા આ તઘલખી નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે વિવાદ વધારે વકરે તે પહેલા નિર્ણય પાછો ખેંચી લેવામાં જ શાણપણ સમજીને સરકારે નિર્ણય પાછો ખેંચી લીધો છે.

    follow whatsapp

    ADVERTISEMENT