Gujarat Rain: રાજ્યમાં ભારે વરસાદના પગલે નદી-નાળા છલોછલ, આ 45 ડેમ ઓવરફ્લો થતા હાઈ એલર્ટ અપાયું
Gujarat Dam Water Level: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદના કારણે હવે નદી-નાળા છલોછલ થયા છે. દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘમહેર બાદ ડેમમાં નવા નીરની આવક થતા તે છલોછલ થઈ રહ્યા છે.
ADVERTISEMENT
Gujarat Dam Water Level: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદના કારણે હવે નદી-નાળા છલોછલ થયા છે. દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘમહેર બાદ ડેમમાં નવા નીરની આવક થતા તે છલોછલ થઈ રહ્યા છે. રાજ્યના જળ સંપત્તિ વિભાગ દ્વારા આ અંગે માહિતી આપતા જણાવાયું છે કે, રાજ્યના 45 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ ઉપરાંત સાત જળાશયોમાં 90 ટકાથી 100 ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 1,78,286 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 53.37 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 2,64,362 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 47.19 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.
30 ડેમ 70થી 100 ટકા સુધી ભરાયા
સોમવારે સવારે 8 વાગ્યાના રિપોર્ટ મુજબ રાજ્યમાં ભારે વરસાદના પરિણામે સરદાર સરોવર યોજનામાં 23,486 ક્યુસેક, ઉકાઈમાં 36,307 ક્યુસેક, દમણગંગામાં 7,018 ક્યુસેક, કડાણામાં 6,674 ક્યુસેક, પાનમમાં 6,648 ક્યુસેક અને હડફમાં 5500 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ સિવાય રાજ્યના 30 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 28 ડેમ 50 થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે 36 ડેમ 25થી 50 ટકા ભરાયા છે.
ઉત્તર ગુજરાતના જળાશયોમાં સૌથી ઓછું પાણી
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 53.29 ટકા, સૌરાષ્ટ્રના 141માં 50.88 ટકા, કચ્છના 20માં 49.92 ટકા, મધ્ય ગુજરાતના 17માં 37.29 ટકા, તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26.49 ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.
ADVERTISEMENT
આજે ક્યા વિસ્તારોમાં છે આગાહી?
હવામાન વિભાગ દ્વારા જે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા અને સુરત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં આજે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
ADVERTISEMENT