અમદાવાદમાં ગાય આવી જતા બે ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, કેબિન બુકડો થઈ જતા ડ્રાઈવર-ક્લિનર અંદર ફસાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરના દાસ્તાન સર્કલ પાસે આજે વહેલી સવારે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. રિંગ રોડ પર બે ટ્રક વચ્ચે ટક્કર થયા બાદ ટ્રકના કેબિનમાં ડ્રાઈવર અને ક્લિનર ફસાઈ ગયા હતા. ત્યારે ફાયર વિભાગને ટીમને બોલાવવામાં આવી હતી. જેણે કેબિનમાંથી સ્ટેરિંગ અને સીટનો ભાગ કાપીને ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો અને 108 મારફતે હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દીધો હતો.

રિંગ રોડ પર ગાય વચ્ચે આવી જતા અકસ્માત
અમદાવાદના દાસ્તાન સર્કલ પાસે રિંગ રોડ પર વહેલી સવારે ગાય આવી જતા ટ્રક ચાલકે કાબુ ગુમાવ્યો અને ટ્રક પલટી મારી ગઈ હતી. આથી પાછળ આવતી ટ્રક પણ ધડાકાભેર ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી. જેમાં ટ્રકનું કેબિન બુકડો બોલી ગયો હતો. એવામાં ડ્રાઈવર અને ક્લિનર બંને અંદર ફસાઈ ગયા હતા. અકસ્માત થતા જ આસપાસથી લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ક્લિનરને બહાર કાઢી લીધો હતો. પરંતુ ડ્રાઈવર નીકળી શકે એમ ન હોવાથી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

સ્ટેરિંગ અને સીટ કાપી ડ્રાઈવરને બચાવાયો
ત્યાર બાદ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને હાઈડ્રોલિક સાધનોની મદદથી ટ્રકનું સ્ટેરિંગ તથા સીટને કાપીને અંદરથી સાવધાની પૂર્વક ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો. લગભગ 45 મિનિટના ઓપરેશન બાદ ડ્રાઈવર કેબિનમાંથી બહાર નીકળી શક્યો. તો ટ્રકની ટક્કરથી ગાયનું પણ મોત નિપજ્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT