70 લાખમાં અમેરિકા જવા નીકળેલા 9 ગુજરાતીઓ 6 મહિનાથી સંપર્ક વિહોણા, પોલીસે બે એજન્ટ સામે નોંધી FIR
હસમુખ પટેલ/સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લામાં કબૂતરબાજીનો વધુ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં એક મહિલાના પતિએ એજન્ટ દ્વારા અમેરિકાની વર્ક પરમીટ મેળવી હતી અને ગત…
ADVERTISEMENT
હસમુખ પટેલ/સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લામાં કબૂતરબાજીનો વધુ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં એક મહિલાના પતિએ એજન્ટ દ્વારા અમેરિકાની વર્ક પરમીટ મેળવી હતી અને ગત 8 જાન્યુઆરીએ અમદાવાદથી વાયા મુંબઈ થઈને અમેરિકા જવા નીકળ્યા હતા. આ માટે એજન્ટ દ્વારા 70 લાખની માગણી કરાઈ હતી, જે પૈકી 20 લાખ આપી દેવાયા હતા. જોકે છેલ્લા 6 મહિનાથી પતિ સાથે સંપર્ક ન થતા ચિંતિત મહિલાએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં મહેસાણા તેમજ ગાંધીનગરના એજન્ટો સામે ફરિયાદ નોંધાવી છે.
પ્રાંતિજના ભરતભાઈ દેસાઈ અમેરિકા જવા નીકળ્યા હતા
વિગતો મુજબ, પ્રાંતિજના વાઘપુર ગામમાં આવેલા રબારીવાસમાં ભરતભાઈ દેસાઈ પોતાની પત્ની ચેતનાબેન તથા ત્રણ સંતાનો સાથે રહેતા હતા. સાતેક મહિના પહેલા ભરતભાઈની મુલાકાત મહેસાણાના દિવ્યેશ પટેલ સાથે થઈ હતી, જેને તેમને અમેરિકા વર્ક પરમીટ પર લઈ જવાની વાત કરી હતી અને આ માટે રૂ.70 લાખ ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. ભરતભાઈએ પોતાની પત્નીને સમગ્ર વાત કરી અને સંબંધીઓ પાસેથી ઉછીના પૈસા લઈને રૂ.20 લાખ રૂપિયા એજન્ટ દિવ્યેશભાઈને આપ્યા હતા.
છેલ્લે 4 ફેબ્રુઆરીએ પરિવાર સાથે વાત થઈ
આ બાદ તેમની ટિકિટ આવી જતા 4 જાન્યુઆરીના રોજ ભરતભાઈ અમદાવાદ એરપોર્ટથી મુંબઈની ફ્લાઈટમાં બેઠા હતા. અહીંથી તેઓ એમસ્ટરડમની ફ્લાઈટમાં બેસીને ત્યાં પહોંચ્યા અને પત્ની ચેતનાબેનને ફોન કરીને જાણ કરી હતી તે બે-ત્રણ દિવસ અહીં રોકાઈને તેઓ પોર્ટ ઓફ સ્પેન જશે. બાદમાં ચાર-પાંચ દિવસ બાદ ભરતભાઈએ ફરી પત્નીને ફોન કરીને પોર્ટ ઓફ સ્પેન પહોંચી ગયા હોવાનું જણાવ્યું હતું. અહીંથી તેઓ ડોમિનિકા ગયા અને ત્યાં 15 દિવસ સુધી તેમનો પત્ની સાથે સંપર્ક હતો, જોકે બાદમાં 4 ફેબ્રુઆરી બાદથી ચેતનાબેનનો પતિ સાથે કોઈ સંપર્ક થતો નથી અને ફોન પણ આવતો નથી.
ADVERTISEMENT
6 મહિનાથી સંપર્ક ન થતા એજન્ટ સામે નોંધાઈ ફરિયાદ
આ અંગે તેમણે એજન્ટ દિવ્યેશભાઈને વાત કરતા તેઓ માત્ર આશ્વાસન આપતા રહ્યા કે તેમના પતિ અમેરિકા પહોંચી જશે. જોકે 6 મહિના થવા છતાં પણ ભરતભાઈ સાથે સંપર્ક ન થતા ચેતનાબેને પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. તેમનો આક્ષેપ છે કે, તેમના પતિની સાથે અન્ય 8 લોકોને પણ એજન્ટો દ્વારા અમેરિકામાં મોકલવામાં આવ્યા હતા, તેમનો પણ તેમના પરિવાર સાથે કોઈ સંપર્ક થઈ શક્તો નથી.
હાલ ક્યાં છે તમામ ગુજરાતીઓ?
મહિલાની ફરિયાદના આધારે હાલમાં પ્રાંતિજ પોલીસે મહેસાણા તથા ગાંધીનગરના એજન્ટો સામે ફરિયાદ નોંધીની એક એજન્ટની ધરપકડ કરી લીધી છે. સાથે જ પોલીસે વિદેશમાં ફસાયેલા યુવકો ક્યાં ફસાયેલા છે તેની પણ તપાસ શરૂ કરી છે. આરોપી દિવ્યેશ પટેલની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ડોમિનિકાથી દરિયાઈ માર્ગે જતા સમયે તમામ લોકો ઝડપાઈ ગયા હતા અને હાલમાં સેન્ટ લુસિયા ટાપુ પર છે.
ADVERTISEMENT
ADVERTISEMENT