મોરબીની મહાદુર્ઘટનાની ગોઝારી ઘટનાને 43 વર્ષ, અમેરિકાએ હોનારત અંગે ભારતને જાણ કરી હતી

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજેશ આંબલિયા/મોરબી : વિશ્વની સૌથી મોટી અને ગોઝારી કરૂણાંતિકાઓ પૈકીની એક તેવી મોરબીની મચ્છુ જળ હોનારતને આજે 43 વર્ષ પૂર્ણ થયા છે. આ ગોઝારી જળ હોનારતમાં મૃત્યુ પામેલા હજારો દિવંગતોના આત્માની શાંતિ અર્થે આજે મોરબી નગરપાલિકા દ્વારા એક મૌન રેલી કાઢવામાં આવી હતી. આ રેલી શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઇ દિવંગતોની ખાંભી સુધી પહોંચી હતી અને અહીં તમામ મૃતકોને પૃષ્પાંજલી અર્પિત કરવામાં આવી હતી. આવી હોનારત ફરી એકવાર ન સર્જાય તેવી પ્રભુને પ્રાર્થના કરી હતી.

11 ઓગસ્ટ 1979 ના રોજ મોરબીનો મચ્છુ બંધનો પાળો તુટતા મોરબીમાં જળ હોનારત સર્જાઇ હતી. આ ગોઝારી ઘટનાની આજે 43મી વરસી છે. આ ભયાનક ઘટનામાં હજારો લોકો અને પશુઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટના એટલી ગોઝારી હતી કે, આખુ મોરબી શહેર હતુ ન હતું થઇ ગયું હતું. મૃત્યુનો આંકડો હજી સુધી પણ અધિકારીક રીતે સામે આવી શક્યો નહોતો. અનેક લોકો ગુમ થઇ ગયા હતા. દુર્ઘટના એટલી ભયાનક હતી કે, અમેરિકા દ્વારા ભારતને જળ હોનારત અંગે જાણ કરવામાં આવી હતી. અમેરિકન સેટેલાઇટ દ્વારા આ તસ્વીરો કેપ્ચર કરીને દિલ્હી સરકારને જાણ કરવામાં આવી હતી.

આ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવવા માટે મોરબી નગરપાલિકા ખાતેથી એક વિશાળ મૌન રેલી કાઢવામાં આવી હતી. જેમાં રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મૃતકોના સ્વજનો, શહેરીજનો અને મોરબી પોલીસ જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. મોરબીના મણી મંદિર પાસે બનાવવામાં આવેલ દિવંગતોની ખાંભી પર પહોંચીને તેને વિધિસર હાર પહેરાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ગોઝારી ઘટના જે સમયે ઘટી હતી તે સમયે મોરબીના નગર દરવાજા ખાતે 21 સાયરન વગાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ દિવંગતોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT