Nadiad: રાજ્યની તમામ જેલમાં મેગા સર્ચ ઓપરેશન દરમ્યાન બિલોદરા જેલમાંથી મળી આવ્યા 2 સ્માર્ટફોન, સુરક્ષા પર ઉઠયા સવાલો

ADVERTISEMENT

gujarattak
social share
google news
હેતાલી શાહ ,નડિયાદ: ગત મોડી સાંજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા તાકીદની બેઠક બોલાવ્યા બાદ રાજ્યભરની જેલોમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તે અંતર્ગત નડિયાદની જિલ્લા જેલ બિલોદરા જેલમાં પણ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. જેમાં પોલીસના સર્ચ ઓરેશન દરમ્યાન 2 સ્માર્ટફોન જેલમાંથી મળી આવતા ચકચાર મચી છે.
ગૃહ રાજ્ય મંત્રીની સાથે બેઠક થયા બાદ રાજ્યભરની જેલમાં સર્ચ ઓપરેશન ડ્રાઇવ આપવામાં આવી હતી. અમદાવાદની સાબરમતી જેલ ઉપરાંત અન્ય મોટી જેલોમાં સ્થાનિક પોલીસ, એલસીબી, એસઓજીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ મેગા સર્ચ ઓપરેશન અંતર્ગત નડિયાદની બિલોદરા જેલ ખાતે પણ ખેડા જિલ્લા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આ જિલ્લા જેલમાં 18 બેરેક છે. જેમાં કુલ મળીને 554 પુરુષ કેદી છે. અને પુરુષ કેદીઓની બેરેકમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.
સર્ચ ઓપરેશન મોડી રાત્રીના લગભગ 3 વાગ્યા સુધી ચાલ્યું
રાત્રે 9 વાગે શરૂ થયેલ આ સર્ચ ઓપરેશન માં 1 ઇન્ચાર્જ એસ.પી. , 3 પીઆઇ, 3 પી એસ આઈ સહિત કુલ 34 પોલીસ કર્મી જોડ્યા હતા. સાથેજ 14 જેટલા બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરાયો હતો. જેમાં 4 જેટલા લાઈવ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરાયો હતો. ગત રાત્રે 9 વાગે શરૂ કરેલ સર્ચ ઓપરેશન મોડી રાત્રીના લગભગ 3 વાગ્યા સુધી ચાલ્યું હતું. અને સર્ચ ઓપરેશન દરમ્યાન જેલના યાર્ડ નંબર 1ના બેરેક નંબર 2માંથી કાચાકામના કેદીઓ પાસેથી  2 સ્માર્ટ ફોન મળી આવ્યા હતા. સાથેજ એક સ્માર્ટ ફોનમાં 2 સિમકાર્ડ પણ મળી આવ્યા છે. જેને લઇને પોલીસે ગુનો નોંધવાની કામગીરી હાથ ધરી હતી. જે કામગીરી લગભગ વેહલી સવાર સુધી ચાલી હતી. હાલ તો બિલોદરા જેલમાં થી સ્માર્ટ ફોન મળી આવતા નડિયાદ રૂરલ પોલીસ આ અંગે તપાસ હાથ ધરનાર હોવાનુ જાણવા મળી રહ્યું છે.
અનેક અટકળો વહેતી થઈ
મહત્વની બાબત છે કે, એકાએક રાજ્યની જેલોમાં મેગા સર્ચ ઓપરેશનને લઈને અનેક અટકળો વહેતી થઈ હતી. ગૃહ મંત્રી દ્વારા એકાએક જેલ સર્ચની સુચના કેમ આપવામાં આવી તેને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા સાબરમતી જેલની ઓચિંતી મુલાકાત કરવામાં આવી હતી. સાબરમતી જેલની મુલાકાત બાદ ગત રાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને મેગા સર્ચ ઓપરેશનના આદેશો અપાતા ચકચાર મચી છે.
સુરક્ષા અંગે ઉઠયા સવાલો
રાજ્યની જેલમાં વારંવાર મોબાઇલ મળી આવવાની ઘટનાઓ બનતી રહે છે, અને ખેડા જિલ્લાની બિલોદરા જિલ્લા જેલમાં અગાઉ પણ મોબાઇલ મળી આવ્યો હતો, એટલુજ નહિ જેલમાં દારૂની મેહફીલ માણતા કેદીઓનો વિડિયો પણ વાયરલ થયો હતો. તો જેલમાં કેદીનું રહસ્યમય મોત થયું હોવાની ઘટના પણ બની ચૂકી છે. એવામાં આ સર્ચ ઓપરેશનમાં 2 સ્માર્ટ  ફોન મળી આવતા હાલ તો જેલની સુરક્ષા અંગે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT