મોટો પર્દાફાશ: મહેસાણામાં એક કે બે નહીં 10-10 શિક્ષકો લાંબા સમયથી 'છૂમંતર', વિદ્યાર્થીઓ રામભરોસે!

ADVERTISEMENT

Mehsana News
શિક્ષકોને નિશાળે જવું ગમતું નથી...?
social share
google news

Mehsana News: શિક્ષકો એ બાળકોનું ભવિષ્ય સુધારતા હોય છે પરતું ગુજરાતમાં કેટલાક શિક્ષકોની લાલિયાવાડીના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધારામાં મૂકાયું છે. પહેલા બનાસકાંઠા, પછી ખેડાના શિક્ષિકા ચાલુ ફરજે વિદેશ જતાં રહ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ વચ્ચે હવે મહેસાણામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. મહેસાણા જિલ્લામાં તો એક કે બે નહીં 10-10 'ગુરુજી'ઓ લાંબા સમયથી 'ગાયબ' હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં કોઈ 2017થી તો કોઈ ઘણા મહિનાઓથી ગેરહાજર છે. જેના લીધે બાળકોનું ભવિષ્ય અંધકારમાં ધકેલાય ગયું છે. બાળકોના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે. ત્યારે હવે ચાલુ ફરજે ગાયબ થઈ ગયેલા આવા શિક્ષકો સામે એક્શન લેવાની માંગ ઉઠી છે.

રણછોડપુરાના શિક્ષિકા પણ ઘણા સમયથી વિદેશમાં

આ વિશે વિગતવાર વાત કરીએ તો મહેસાણાના કડીની રણછોડપુરા શાળાની શિક્ષિકા ઓગસ્ટ 2023થી શાળામાં હાજર થયા નથી. એટલું જ નહીં આ શિક્ષિકા પણ વિદેશ પ્રવાસે હોવાની માહિતી મળી રહી છે. આ કિસ્સો સામે આવ્યા બાદ શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. 'ગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયો' ગુજરાતી ગીતથી ફેમસ થયેલા અને કડીના રણછોડપુરાની પ્રાથમિક શાળાના શિક્ષિકા કવિતાબેન દાસ છેલ્લા ઘણા સમયથી ગેરહાજર છે. દાસ કવિતાબેન ધનજીભાઈ 31 ઓગસ્ટ 2023થી આજ દિન સુધી શાળાએ આવ્યા નથી. કવિતાબેન વિદેશ પ્રવાસે હોવાની માહિતી મળી રહી છે. 

જિલ્લાના 10-10 શિક્ષકો/શિક્ષિકાઓ 'ગાયબ'

એટલું જ નહીં મહેસાણા જિલ્લાની કડી, જોટાણા, વિજાપુર, મહેસાણા, વડનગરના અન્ય 9 શિક્ષકો/શિક્ષિકાઓ પણ લાંબા સમયથી ગેરહાજર હોવાનું સામે આવ્યું છે. જેમાં કેટલાક શિક્ષકો શારીરિક અશક્ત તો કેટલાક વિદેશ જતાં રહ્યા હોવાની માહિતી સામે આવી છે. કેટલાક શિક્ષકોને નોટિસ આપી હોવા છતાં ગેરહાજર છે. શિક્ષકોની ગેરહાજરીના લીધે બાળકોના અભ્યાસ ઉપર અસર પડી રહી છે. ગેરહાજર રહેતા શિક્ષકોને સસ્પેન્ડ કરી નવા શિક્ષકો મૂકવા માંગ કરવામાં આવી છે. 

ADVERTISEMENT

પાયલબેન પણ 2022થી ગેરહાજર

આપણે મહેસાણા જિલ્લાના આવા 'ગાયબ' શિક્ષકો/શિક્ષિકાઓ વિશે વાત કરીએ તો મહેસાણાના જોટાણાની ખદલપુર પ્રાથમિક શાળાના શિક્ષિકા પટેલ આશાબેન કેશવલાલ 8 ફેબ્રુઆરી 2023થી ગેરહાજર છે. તેમને મગજની કોઈ બીમારી થઈ ગઈ હોવાથી તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તો બેચરાજીની જેતપુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા રાવલ પાયલબેન ભીખાભાઈ તારીખ 28/11/2022થી 01/07/2024 સુધી શાળાએ આવેલ નથી. તેઓ વિદેશ ગયા હોવાનું સામે આવ્યું છે. 

વિજાપુરના પટેલ જીજ્ઞાબેન પણ વિદેશમાં!

આ ઉપરાંત સતલાસણાના ટીંબા પગાર કેન્દ્ર શાળાના શિક્ષિકા પટેલ રમીલાબેન હીરાભાઈ પણ તારીખ 01/12/2023થી આજદિન સુધી અંગત કારણસર ગેરહાજર હોવાનું સામે આવ્યું છે. વિજાપુરની વિજાપુર કુમાર શાળા નંબર 1માં ફરજ બજાવતા પટેલ જીજ્ઞાબેન કાલિદાસ 
16/04/2024થી આજ દિન સુધી ગેરહાજર છે. તેઓ પણ વિદેશ ગયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તો કડીના પંથોડાની પ્રાથમિક શાળાના શિક્ષિકા વિહોલા નીલીબેન પિયુષકુમાર 12/8/2022થી આજ દિન સુધી ગેરહાજર છે. તેઓ શારીરિક અશક્તાને કારણે શાળાએ આવી શકે તેમ નથી. 

ADVERTISEMENT

શોભાસણના શિક્ષિકા તો 2020થી 'છૂમંતર'

કડીની કુડાસણ પ્રાથમિક શાળાના પટેલ આશાબેન નટવરભાઈ 12/09/2023થી આજ દિન સુધી બહાર હોવાથી શાળાએ આવ્યા નથી. કડીના રણછોડપુરા પ્રાથમિક શાળાના દાસ કવિતાબેન ધનજીભાઈ 31/08/2023થી સ્કૂલમાં ગેરહાજર છે. તેઓ વિદેશ પ્રવાસે હોવાથી આજદિન સુધી સ્કૂલે આવ્યા નથી. આ સાથે જ વડનગરના રાજપુર વડ પ્રાથમિક શાળાના શિક્ષક મિસ્ત્રી નિલેશકુમાર અમરતલાલ 
17/02/2017થી આજ સુધી ગેરહાજર છે. તેઓનો અકસ્માત થયો હોવાથી તેઓ આજદિન સુધી ફરજ પર આવ્યા ન હોવાનું સામે આવ્યું છે. મહેસાણા શોભાસણ પ્રાથમિક શાળાના શિક્ષિકા ગજ્જર ધરતીબેન બાબુલાલ 19/06/2020થી આજ દિન સુધી સ્કૂલમાંથી ગેરહાજર છે. તેઓ સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાનું કહીને હાજર થયેલ નથી. આ સાથે જ મહેસાણાની મહેસાણા શાળા નંબર 3માં ફરજ બજાવતા પટેલ મીનાબેન શંભુભાઈ 13/09/2023થી આજદિન સુધી સ્કૂલમાંથી ગેરહાજર છે. તેઓ પણ વિદેશમાં હોવાનું સામે આવી રહ્યું છે.

ADVERTISEMENT


...શું શિક્ષણ વિભાગ કરશે કાર્યવાહી?

આમ બનાસકાંઠામાંથી એક કિસ્સો સામે આવ્યા બાદ એક પછી એક શિક્ષકોની લાલિયાવાડી સામે આવી રહી છે. આ શિક્ષકો/શિક્ષિકાઓ શાળાને શાળા નહીં પરંતુ બગીચો હોય તેમ મનફાવે શિક્ષિકા શાળામાં આવે છે. શિક્ષકોની ગેરહાજરીના લીધે બાળકોના અભ્યાસ ઉપર અસર પડે છે. રાજ્યમાં સરકારી શાળાઓમાં સતત ગેર હાજર રહેતા શિક્ષકોની તપાસ કરવી જરૂરી છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધારામાં મૂકનારા આવા બેજવાબદાર શિક્ષકો સામે શિક્ષણ વિભાગ (Gujarat Education Department) ક્યારે કડક કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું.


(કામિની આચાર્ય, મહેસાણા)

    follow whatsapp

    ADVERTISEMENT