વડોદરામાં CA પુત્રીએ તબીબ મિત્ર સાથે મળીને પિતાને જ લગાવ્યો કરોડોનો ચૂનો, પોલીસમાં નોંધાઈ ફરિયાદ
Vadodara News: વડોદરામાં સગી દીકરીએ જ પિતા સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચર્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. તબીબ મિત્ર સાથે મળીને યુવતીએ હોસ્પિટલ બનાવવાના બહાને…
ADVERTISEMENT
Vadodara News: વડોદરામાં સગી દીકરીએ જ પિતા સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચર્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. તબીબ મિત્ર સાથે મળીને યુવતીએ હોસ્પિટલ બનાવવાના બહાને પિતા પાસેથી કરોડો રૂપિયા લીધા અને 1 વર્ષથી પણ વધુ સમય વીતી જવા છતાં પૈસા પરત ન કરતા આખરે પિતાએ પોતાની જ પુત્રી, પુત્રીના તબીબ મિત્ર અને તબીબની પત્ની એમ ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
હોસ્પિટલ બનાવવાના નામે પૈસા માગ્યા
વિગતો મુજબ, વડોદરાના રાવપુરા વિસ્તારમાં રહેતા 70 વર્ષના હિમાંશુ સંગેમનેકરે પોતાની પરિણીત દીકરી કલ્યાણી, તેના મિત્ર ડો. નિશાંત શાહ તથા તેની પત્ની અમી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. વૃદ્ધની ફરિયાદ મુજબ, તેમની દીકરી કલ્યાણીએ CAનો અભ્યાસ કર્યો છે અને તેના પતિ સાથે રહેતી હતી. બાદમાં 2019માં તે પતિથી અલગ રહેવા લાગી. 2020માં કલ્યાણી, ડો. નિશાંત તથા તેની પત્ની સાથે તેમના પાસે આવી હતી. ત્યારે ડો. નિશાંતે તેમને જણાવ્યું કે, તેમની દીકરી કલ્યાણી IMAના પ્રોજેક્ટમાં ડાયરેક્ટર તરીકે જોડાઈ છે અને વડોદરામાં એક હોસ્પિટલ બનાવવાની છે, તેમાં અમારા ભાગનું રોકાણ તમે કરો, 1 વર્ષમાં તમને પૈસા પાછા મળી જશે.
પિતાએ સંબંધીઓ પાસેથી માગીને પૈસા આપ્યા
દીકરીની વાત માનીને પિતાએ પત્ની, પુત્ર, નાના ભાઈ સહિતના સંબંધીઓ પાસેથી તથા પર્સનલ લોન લઈને પુત્રીને 2.39 કરોડ રૂપિયા આપ્યા હતા. જોકે 1 વર્ષ બાદ પૈસાની માગણી કરતા ત્રણેય વાયદા આપતા હતા. અને બાદમાં દીકરીએ ચોખ્ખું કહી દીધું, તમારા રૂપિયા ભૂલી જજો, હવે તમને પૈસા પાછા નહીં મળે. જે બાદ આખરે પિતાએ પોતાની જ સગી દીકરી, તેના તબીબ મિત્ર અને તેની પત્ની સામે પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
પોલીસમાં નોંધાઈ 3 લોકો સામે ફરિયાદ
સમગ્ર મામલે પ્રાથમિક તપાસ બાદ પોલીસે જણાવ્યું હતું કે, ડો. નિશાંત સહિત ત્રણેયે વૃદ્ધને વડોદરાની મલ્ટિસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલમાં ભારત સરકાર, ગુજરાત સરકાર તથા અન્ય તબીબો ભાગીદાર હશે તેમ જણાવ્યું હતું. જોકે પ્રાથમિક તપાસમાં આવો કોઈ પ્રોજેક્ટ મળ્યો નથી. તો બીજી તરફ કલ્યાણીને ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલમાં નોકરી મળી હતી કે નહીં તે બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે.
ADVERTISEMENT