પહેલા પરિવારના 6 સભ્યોને ઝેર આપ્યું, પછી પોતે ફાંસો ખાધો, સુરતના પરિવારે કેમ કર્યો આપઘાત?

ADVERTISEMENT

gujarattak
social share
google news

Surat News: શહેરના પાલનપુર પાટીયા ખાતે એક એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારજનોએ સામુહિક આપઘાત કરી લેતાં સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. માતા-પિતા સાથે દંપતિ અને તેમના ત્રણ બાળકોના સામુહિક આપઘાતની જાણ થતાં જ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. માતા-પિતા અને પત્ની સહિત બાળકોને ઝેર આપ્યા બાદ ઘરના મોભીએ ગળે ફાંસો ખાઈ લીધો હોવાની પ્રાથમિક જાણકારી મળવા પામી છે. હાલ પોલીસ દ્વારા તમામ મૃતદેહોને પી.એમ. માટે મોકલવામાં આવ્યા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ મૃતકના સગા-સંબંધીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.

સવારે ઘરનો દરવાજો ન ખુલતા પાડોશીઓને શંકા ગઈ

અડાજણમાં પાલનપુર પાટીયા ખાતે વિદ્યાકુંજ સ્કુલ પાસે આવેલ શ્રી સિધ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા મનીષ સોલંકી સહિત પરિવારજનો દ્વારા આજે સવારે ઘરનો દરવાજો ખોલવામાં આવ્યો ન હતો. બપોર સુધી ઘરનો દરવાજો ન ખુલતાં પડોશીઓને કંઈક અજુગતું થયું હોવાની આશંકા ગઈ હતી અને જેને પગલે દરવાજો ખખડાવવા છતાં અંદરથી કોઈએ જવાબ આપ્યો નહતો. આ સ્થિતિમાં ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ઘરના દરવાજો ખોલવાની સાથે જ હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. ઘરમાં ત્રણ માસુમ બાળકો સહિત માતા-પિતા અને પત્ની સહિત પુત્રના મૃતદેહો મળતાં પોલીસની સાથે – સાથે આસપાસના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

ADVERTISEMENT

આર્કિટેક્ટનું કામ કરતાં 37 મનીષ ઉર્ફે શાંતિલાલ સોલંકી આર્થિક રીતે સધ્ધર હોવાનું પડોશીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું, જો કે, ગઈકાલે રાત્રે મનીષ સોલંકીએ પિતા કનુ સોલંકી, માતા શોભના સોલંકી, પત્ની રીટા સોલંકી અને માસુમ બાળકો કુશલ સોલંકી, ઈશા સોલંકી અને કાવ્યા સોલંકીને ઝેરી દવા પીવડાવી દીધી હતી અને તેમના મોત નિપજ્યાં બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. હસતાં-રમતાં પરિવારના સામૂહિક આપઘાતને પગલે સમગ્ર વિસ્તારમાં સનસની મચી જવા પામી હતી. મનીષ સોલંકી અને તેમના પરિવારજનોના આપઘાતના સમાચાર મળતાં તેમના મિત્ર વર્તુળ અને પરિવારજનોમાં પણ ઘેરા આઘાતની લાગણી પ્રસરી જવા પામી હતી. બીજી તરફના ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરીને તમામ મૃતદેહોને પોસ્ટ માર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી હતી.

ADVERTISEMENT

ઘટના સ્થળે લોકોનું ટોળું ઉમટ્યું

પાલનપુર પાટિયા ખાતે સિધ્ધેશ્વર એપાર્ટમેન્ટના સી વિંગમાં રહેતા અને ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલા મનીષ સોલંકી પરિવારના સભ્યોના સામુહિક આપઘાતને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ સેંકડોની સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. મનીષ સોલંકીના સગા-સંબંધીઓ અને મિત્ર વર્તુળને જાણ થતાં તેઓ પહેલા તો આ ઘટના પર વિશ્વાસ કરવા માટે જ તૈયાર થયા ન હતા. હસમુખો સ્વભાવ ધરાવતાં મનીષ સોલંકી દ્વારા આ પ્રકારનું આત્યંતિક પગલું ભરવામાં આવ્યું હોવાની જાણ થતાં એપાર્ટમેન્ટના રહેવાસીઓ પણ ડઘાઈ ગયા હતા.

ADVERTISEMENT

 સ્યુસાઈડ નોટમાં મળી આવી

આર્થિક રીતે સધ્ધર મનીષ સોલંકીના પરિવારજનો દ્વારા સામુહિક આપઘાત કરવાના કિસ્સાને પગલે શંકા-કુશંકાનો દૌર શરૂ થયો હતો. જો કે, મનીષ સોલંકી દ્વારા આ પગલું ભરતાં પહેલાં સ્યુસાઈડ નોટ લખી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ સ્યુસાઈડ નોટમાં મિત્રને ઉધાર આપેલા રૂપિયા પરત ન મળતાં તેઓએ આ પગલું ભર્યું હતું. જો કે, સ્યુસાઈડ નોટમાં મિત્રનું નામ અને કેટલા રૂપિયા આપ્યા હતા તે અંગે હજી સુધી કોઈ નક્કર માહિતી મળવા પામી નથી. અલબત્ત, પોલીસ દ્વારા સ્યુસાઈડ નોટના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

(સંજયસિંહ રાઠોડ, સુરત)

    follow whatsapp

    ADVERTISEMENT