Surat: 'મારી ગર્લફ્રેન્ડ સાથે કેમ વાત કરે છે?' ધો.12ના વિદ્યાર્થીએ સ્કૂલ રીસેસમાં ક્લાસમેટને છરીના ઘા માર્યા
Surat Crime News: સુરતમાં સ્કૂલની અંદર 17 વર્ષના સગીરે સાથે ભણતા વિદ્યાર્થીને છરીના ઘા માર્યા હોવાની ઘટના સામે આવી છે. સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી સ્કૂલમાં રિસેસ દરમિયાન આ ઘટના બની હતી.
ADVERTISEMENT
Surat Crime News: સુરતમાં સ્કૂલની અંદર 17 વર્ષના સગીરે સાથે ભણતા વિદ્યાર્થીને છરીના ઘા માર્યા હોવાની ઘટના સામે આવી છે. સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી સ્કૂલમાં રિસેસ દરમિયાન આ ઘટના બની હતી. જે બાદ પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. પ્રેમ સંબંધમાં થયેલા આ હુમલામાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે હુમલો કરનાર વિદ્યાર્થીને હાલ જામીન મળી ગયા છે.
સ્કૂલમાંથી ફોન આવતા હોસ્પિટલ દોડ્યા પિતા
વિગતો મુજબ, સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા અને ડેરી ચલાવતા પિતાને સંતાનમાં એક છોકરો અને છોકરી છે, છોકરો ધો.12 સાયન્સમાં નાનપુરાની સ્કૂલમાં અભ્યાસ કરે છે. દીકરો સવારે નિત્યક્રમ મુજબ સ્કૂલે ગયો હતો. જોકે 11 વાગ્યા આસપાસ એક શિક્ષકે તેમને ફોન કરીને જણાવ્યું કે તમારા દીકરાનો ઝઘડો થઈ ગયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આથી પરિવાર તાત્કાલિક દોડી આવ્યો હતો, જ્યાં દીકરાની ICUમાં સારવાર ચાલી રહી હતી અને તેને શરીર પર ગંભીર ઈજાઓ હતી.
ગર્લફ્રેન્ડ બીજા છોકરા સાથે વાત કરતા હુમલો
આ અંગે શિક્ષકો તથા અન્ય વિદ્યાર્થીઓને પૂછતા જાણવા મળ્યું કે, સ્કૂલમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી રિસેસ દરમિયાન નાસ્તો કરતા સમયે આવ્યો અને ઉપરા છાપરી છરીના ઘા મારી દીધા હતા. તપાસમાં જાણવા મળ્યું કે, હુમલો કરનાર વિદ્યાર્થીની ગર્લફ્રેન્ડ બીજા છોકરા સાથે વાત કરતી હતી, આથી તેણે 'તું મારી ગર્લફ્રેન્ડ સાથે કેમ વાત કરે છે?' કહીને આવેશમાં આવીને વિદ્યાર્થી પર હુમલો કરી દીધો હતો.
ADVERTISEMENT
હુમલો કરનાર સગીરને મળ્યા જામીન
આ મામલે જાણ થતા જ અઠવા પોલીસ પણ પહોંચી ગઈ હતી. પોલીસે 17 વર્ષના હુમલાખોર વિદ્યાર્થીની ધરપકડ કરી લીધી હતી. જોકે હાલમાં આ વિદ્યાર્થીને જામીન મળી ગયા છે.
ADVERTISEMENT