ગુજરાત યુનિ.માં બોટની વિભાગમાં ઉત્તરવહી કાંડના બે માસ્ટરમાઈન્ડ અઢી મહિને ઝડપાયા, કેવી રીતે ચોરતા ઉત્તરવહી?

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gujarat University News: ગુજરાત યુનિવર્સિટી ખાતે નર્સિંગ તથા ફિઝિયોથેરાપીની ઉત્તરવહી કાંડના માસ્ટર માઇન્ડ મુખ્ય બે આરોપીઓને અઢી મહિના બાદ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા બોટની વિભાગના સ્ટ્રોંગ રૂમમાંથી જુલાઇ મહિનામાં બી.એસસી નર્સિંગની કેટલીક ઉત્તરવહીઓ ચોરી થઈ હતી. ગુજરાત યુનિવર્સિટી તરફથી પોલીસ ફરિયાદ બાદ ધી ગુજરાત જાહેર સેવા પરીક્ષા અધિનિયમ 2023 હેઠળ ગુનો નોંધી ગુજરાત યુનિવર્સિટી પોલીસે તપાસ શરૂ કરી હતી.

પટાવાળો ઉત્તરવહી ચોરીને આરોપીને આપતો

આ પ્રકરણમાં અમદાવાદના ભીમજીપુરામાં રહેતા સની ચૌધરી તેમજ અમિત સિંઘનું નામ ખુલ્યું હતું. બંને આરોપીઓને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. બંનેની પૂછપરછ કરતા માલૂમ પડ્યું છે કે, આરોપી અમિત સિંઘ ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા સંજય ડામોરના સંપર્કમાં આવ્યો હતો. જેથી બોટની વિભાગમાં પરીક્ષા બાદ પેપર ચકાસણી માટે આવતી ઉત્તરવહીઓ સાથે ચેડા કરવાનું કામ શરૂ કરાયું હતું. નબળા વિદ્યાર્થીઓનો સની ચૌધરી સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કરતો હતો. જે તે વિદ્યાર્થીનો સંપર્ક કરી સની ચૌધરી રૂબરૂ મળી એક પેપરમાં લખાવવા માટે પચાસ હજાર રૂપિયા નક્કી કરતો હતો.

રાત્રે ઉત્તરવહી લખીને સવારે સ્ટ્રોંગ રૂમમાં પહોંચાડી દેતા

જે વિદ્યાર્થીઓ પાસ થવા સનીના સંપર્કમાં આવતા તેમની હોલ ટિકિટની ઝેરોક્ષ સંજય ડામોરને મોકલવામાં આવતી હતી. વિદ્યાર્થીઓ પોતાની ઉત્તરવહીમાં એક કોડ લખતા હતા અને કેટલીક કોરી પુરવણી પણ બાંધતા હતા જેથી સ્ટ્રોંગરૂમમાં આવેલી ઉત્તરવહિમાં પાછળથી લખાણ લખી શકાય. સંજય ડામોર દ્વારા કાઢવામાં આવતી ઉત્તરવહીમાં લખાણ લખવા માટે આરોપી અમિત સિંઘની અમદાવાદના ભીમજીપુરામાં આવેલી દુકાનમાં તેમજ પોતાના ઘરે લઇ જઈ લખાવવામાં આવતુ હતું. આ સમગ્ર કામગીરી દરમિયાન વિદ્યાર્થીઓની આંખે પટ્ટો પણ બાંધવામાં આવતો હતો અને ઉત્તરવહીમાં લખાવવાની કામગીરી રાત્રી દરમિયાન થતી હતી ત્યારબાદ ઉત્તરવહી સવારે બોટની વિભાગમાં કામ કરતા સંજય ડામોરને પરત કરાતી હતી. બંને આરોપીઓએ ઉત્તરવહી ફરી એકવાર સ્ટ્રોગરૂમમાં ગોઠવી દેવામાં આવતી હોવાની કબૂલાત કરી છે. આ સાથે જ નર્સિંગ તેમજ ફિઝિયોથેરાપીના કોર્સમાં કુલ 59 વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ નાણાકીય લાભ માટે લખાવવા સ્ટ્રોંગરૂમમાંથી બહાર કાઢવામાં આવ્યાનું સામે આવ્યું છે.

ADVERTISEMENT

ઉલ્લેખનીય છે કે, રાજ્યની સૌથી મોટી અને નંબર 1 એવી ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી બોટની વિભાગના સ્ટ્રોંગરૂમ ખાતેથી ઉત્તરવહી કાઢવામાં આવે છે અને તેમા લખાવવામાં આવતું હોવાની હકીકત NSUIના કાર્યકરો દ્વારા સામે લાવવામાં આવી હતી. જે તે સમયે કુલપતિ પોતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર હકીકત સમજ્યા બાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આરોપીઓ ઉત્તરવહી કાંડ સામે આવ્યો ત્યારથી જ અમદાવાદ છોડી ફરાર થઈ ચૂક્યા હતા, જેમણે આખરે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.

(અતુલ તિવારી, અમદાવાદ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT