અમદાવાદમાં પોલીસ ડ્રાઈવ વચ્ચે પણ નબીરાઓ બેફામ, હવે BMW ચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જ્યો
અમદાવાદ: શહેરમાં થોડા દિવસો પહેલા ઈસ્કોન બ્રિજ પર થયેલા ગોજારા અકસ્માતની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં શહેરમાં એક બાદ એક નબીરાઓના અકસ્માતના બનાવો સામે…
ADVERTISEMENT
અમદાવાદ: શહેરમાં થોડા દિવસો પહેલા ઈસ્કોન બ્રિજ પર થયેલા ગોજારા અકસ્માતની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં શહેરમાં એક બાદ એક નબીરાઓના અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. બે દિવસ પહેલા મણીનગર બાદ હવે શહેરના પોશ ગણાતા માણેકબાગ વિસ્તારમાં નશામાં ધૂત નબીરાએ BMW કારથી અકસ્માત સર્જ્યો છે. ખાસ વાત છે કે પોલીસ દ્વારા હાલમાં શહેરભરમાં ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, આ વચ્ચે પણ નબીરાઓ બેફામ બનીને દારૂ પીને વાહન લઈને નીકળી રહ્યા છે.
દારૂ પીને કાર ચલાવતા યુવકે કર્યો અકસ્માત
વિગતો મુજબ, શહેરના માણેકબાગ નજીક નશામાં ધૂત નબીરાએ BMW કાર હંકારીને અકસ્માત સર્જી સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું. જોકે અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. રાત્રે 1 વાગ્યે કાર ચાલક આંબાવાડી પોસ્ટ ઓફિસ પાસે જઈ રહ્યો હતો, અને સર્પાકાર રીતે કાર હંકારી રહ્યો હતો, જેથી સ્થાનિકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે રોકાયો નહીં અને ફૂટપાથ સાથે કાર ટકરાઈ હતી. જે બાદ સેટેલાઈટ પોલીસ કાર ચાલકનો પીછો કરીને માણેકબાગથી તેને ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા કાર ચાલક કમલેશ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
બે દિવસ પહેલા મણીનગરમાં નબીરાઓએ કર્યો હતો અકસ્માત
નોંધનીય છે કે, ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે બનેલી અકસ્માતની ઘટના બાદ શહેરભરમાં પોલીસ દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં જ મણીનગરમાં પણ દારૂ પીને એક કાર ચાલકે અકસ્માત સર્જીને કાર દિવાલ સાથે અથડાવી હતી. કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી. જે બાદ પોલીસે તેમને જાહેરમાં અકસ્માત સ્થળે લઈ જઈને મેથીપાક આપ્યો હતો.
ADVERTISEMENT