જગતના નાથ માટે PM મોદીનો ખાસ પ્રસાદ, રથયાત્રામાં જોવા મળી ક્રિકેટ વર્લ્ડકપની ઝલક

ADVERTISEMENT

Ahmedabad Jagannathji Rath Yatra
જગન્નાથજીની રથયાત્રા
social share
google news

Ahmedabad Jagannathji Rath Yatra: અમદાવાદમાં ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળા છે. ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા અખાડા મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે પહોંચ્યા છે. ત્રણેય રથ ધીમે-ધીમે જમાલપુર દરવાજાથી ખમાસા તરફ આગળ વધ્યા છે. જ્યારે રથયાત્રામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટેબ્લો અને ટી-20 વર્લ્ડ કપ ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. 

ભાવિકો ભગવાનની ભક્તિમાં મગ્ન

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના દર્શન કરવા માટે રસ્તાઓ પર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. શહેરના રસ્તાઓ 'ડાકોરમાં કોણ છે, રાજા રણછોડ છે'ના નાદ સાથે ગુંજી રહ્યા છે. સવારથી જ રસ્તાઓ પર કિડિયાણું ઉભરાયું છે. રવિવારની રજા હોવાથી મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શનનો લ્હાવો લેવા માટે પહોંચી ગયા છે. 

સતત 11 વર્ષે પીએમ મોદીએ મોકલ્યો પ્રસાદ

દર વર્ષથી જેમ આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન માટે પ્રસાદ મોકલ્યો છે. પીએમ મોદીએ મોકલેલો  કેરી, જાંબુ, મગ, મિષ્ટાન અને મેવાનો પ્રસાદ ભગવાન જગન્નાથજીને ધરાવવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ દર વર્ષે રથયાત્રામાં પ્રસાદ મોકલે છે, તેઓ સતત 11 વર્ષથી પ્રસાદ મોકલી રહ્યાં છે. એટલું જ નહીં સૌથી વધુ વખત  પહિંદવિ‌ધિ કરનારા મુખ્યમંત્રી પણ નરેન્દ્ર મોદી જ છે. 

ADVERTISEMENT

નારાયણની નગરચર્યાનો કાર્યક્રમ

સવારે 10.30 વાગ્યે ખાડીયા ચાર રસ્તા પહોંચશે, જ્યાં ભગવાન જગન્નાથજીનું ધારાસભ્ય ભૂષણ ભટ્ટ સહિત અનેક આગેવાનો રથ પૂજન અને નાથનું પૂજન કરે છે 
સવારે 11.15 વાગ્યે કાલુપુર સર્કલ પહોંચશે, જ્યાં વર્ષોથી શિરાના પ્રસાદનું મહત્ત્વ રહેલું છે
બપોરે 12 વાગ્યે સરસપુર પહોંચશે, જ્યાં ભગવાનનું મોસાળ કહેવાય છે અને અહીંયા ભગવાનનું મામેરુ કરવામાં આવે છે અને થોડીક વાર માટે રથ અહીંયા વિરામ કરે છે.
બપોરે 1.30 વાગ્યે સરસપુરથી આગળ પ્રયાણ કરશે
બપોરે 2 વાગ્યે કાલુપુર સર્કલ પહોંચશે. નિજ મંદિર પરત ફરતા રથોનું પોલીસ પ્રશાસન દ્વારા સ્વાગત કરવામાં આવે છે
બપોરે 2.30 વાગ્યે પહોંચશે, પ્રેમ દરવાજાથી દિલ્હી દરવાજાની વચ્ચે સંવેદનશીલ વિસ્તાર હોવાથી અહીંયા પોલીસનો બંદોબસ્ત પણ વધારી દેવામાં આવે છે. સાથે જ સાંકળી શેરીઓ હોવાથી ખૂબ તકેદારી પણ રાખવામાં આવતી હોય છે. ત્યારે આ વિસ્તારમાં કોમી એકતાનું ઉદાહરણ અને કબૂતર ઉડાડીને મુસ્લિમ સમાજના લોકો પોતાની ભગવાન પ્રત્યેની ભક્તિ દર્શાવતા હોય છે અને દિલીપદાસજીનું સ્વાગત મંદિરના મહંત તરીકે કરતા હોય છે. કહેવામાં આવે છે કે વર્ષોથી આ રથયાત્રાના રૂટમાં અહીંયા પરંપરાગત રીતે નરસિંહદાસજીનું પણ સ્વાગત કરવામાં આવતું હતું અને હવે એ જ કોમી એકતાનું ઉદાહરણ અહીંયા પણ જોવા મળે છે.
બપોરે ​​​​​3.15 વાગ્યે દિલ્હી ચકલા રથ પહોંચશે.
બપોરે ​​​​​​3.45 વાગ્યે શાહપુર દરવાજા પહોંચશે. આ વિસ્તારને સૌથી સંવેદનશીલ વિસ્તારની માનવામાં આવે છે, અને પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવે છે.
સાંજે 5 વાગ્યે ઘી કાંટા પહોંચશે, વેપારીઓ દ્વારા ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે, સાથે સોના ચાંદીના ઘરેણા સહિતની પણ ભગવાનને ભેટ આપવામાં આવે છે. કહેવાય છે કે આ વિસ્તારમાં નાનામાં નાના વેપારીથી લઈને મોટામાં મોટા વેપારીઓ ભગવાન આંગણે આવ્યા હોવાથી યથાશક્તિ મનગમતી ભેટો આપતા હોય છે.
સાંજે 5.45 વાગ્યે પાનકોર નાકામાં રથયાત્રા પહોંચશે, ત્યાં શ્રીફળ ચઢાવવાનું અનેરું મહત્ત્વ હોય છે, વર્ષોથી અનેક માનતાઓ જેને રાખી હોય અને તે મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે ભગવાનને શ્રીફળનો પ્રસાદ અહીંયા અર્પણ કરવામાં આવે છે.
સાંજે 6.30 વાગ્યે માણેકચોક પહોંચશે. ત્યારબાદ નિજ મંદિર પરત ફરતા હોય છે ત્યારે સોની માર્કેટમાંથી રથ પસાર થાય છે, ત્યારે અનેક જવેલર્સ દ્વારા ભગવાનની આરતી ઉતારવામાં આવે છે. સાથે જ ભગવાનની નજર ઉતારવાનું પણ અહીંયા વિશેષ મહત્ત્વ રહેલું છે.
સાંજે 8.30 વાગ્યે નિજ મંદિર પરત, અહીંયા ભગવાનને એક દિવસ મંદિરના પ્રાંગણમાં જ રાત વિતાવવી પડતી હોય છે, અને બીજા દિવસે ભગવાનને નિજ મંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે.


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT