અમદાવાદની ઓડિટર ફર્મે અદાણીની કંપની છોડી, હિંડનબર્ગ રિસર્ચમાં આવ્યું હતું નામ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ અદાણી ગ્રૂપ વિશે હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં અમદાવાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ફર્મની નિમણૂક પર સવાલો ઉભા થયા હતા. આ કંપનીએ અદાણી ગ્રુપની કંપની અદાણી ટોટલ ગેસ છોડી દીધી છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જોને જાણ કરી હતી કે M/s. Shah Dhandharia & Co. LLP એ રાજીનામું આપી દીધું છે. હિંડનબર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અદાણી ટોટલ ગેસના સ્વતંત્ર ઓડિટર શાહ ધાંધરિયા એક નાની કંપની છે. તેની કોઈ વેબસાઈટ નથી. તેના માત્ર ચાર ભાગીદારો અને 11 કર્મચારીઓ છે. રેકોર્ડ મુજબ, તેણે 2021 માં દર મહિને 32,000 રૂપિયાનું ભાડું ચૂકવ્યું હતું. તેના ખાતામાં અદાણીની કંપનીઓ ઉપરાંત માત્ર એક જ લિસ્ટેડ કંપની છે, જેનું માર્કેટ કેપ લગભગ 64 કરોડ રૂપિયા છે.

અદાણી ટોટલ ગેસે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, તેના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ M/s. Shah Dhandharia & Co. LLPએ રાજીનામું આપ્યું છે. આ 2 મેથી લાગુ થઈ ગયું છે. કંપનીએ આ સાથે ઓડિટરના રાજીનામાનો પત્ર પણ જોડ્યો છે. ઓડિટરનું કહેવું છે કે તેને 26 જુલાઈ, 2022ના રોજ પાંચ વર્ષની બીજી મુદત આપવામાં આવી હતી અને તેણે 31 માર્ચ, 2023ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે કંપનીનું ઓડિટ કરી દીધું છે. તે અન્ય અસાઇનમેન્ટમાં વ્યસ્ત છે, તેથી તેણે રાજીનામું આપ્યું છે. તે હજુ સુધી જાણી શકાયું નથી કે તે અદાણી એન્ટરપ્રાઇઝમાંથી પણ રાજીનામું આપશે કે નહીં. અદાણી એન્ટરપ્રાઈઝ 4 મેના રોજ તેના નાણાકીય પરિણામો પર વિચાર કરશે.

24 જાન્યુઆરીના હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર શેરના ભાવ વધારવામાં હેરાફેરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જોકે, અદાણી ગ્રુપે આ આરોપોને નકારી કાઢ્યા હતા. પરંતુ તેના કારણે અદાણી ગ્રૂપના શેરમાં એક મહિના કરતાં વધુ સમયથી ઘટાડો નોંધાયો હતો. સુપ્રીમ કોર્ટે સેબીને આ આરોપોની તપાસ કરવા જણાવ્યું છે. કોર્ટે આ માટે 2 મે સુધીનો સમય આપ્યો હતો. પરંતુ સેબીએ તેને વધુ છ મહિના લંબાવવા વિનંતી કરી છે. આ અંગે પીઆઈએલ દાખલ કરનાર એડવોકેટ વિશાલ તિવારીએ સેબીને વધુ સમય આપવાનો વિરોધ કર્યો છે. તેઓ કહે છે કે આનાથી તપાસ લંબાશે અને વધારાનો વિલંબ થશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT