World Cup 2023: આગામી મહિને ભારતમાં રમાઈ રહેલા વન-ડે વર્લ્ડકપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. જે મુજબ 15 સભ્યોની ટીમમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, કે.એલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, ઈશાન કિશન તથા સુર્યકુમાર યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે ટીમમાં ફરીથી સંજૂ સેમસન કે યજુર્વેન્દ્ર ચહલને તક મળી શકી નથી.
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં એશિયા કપ 2023 રમી રહી છે. પરંતુ આ પછી ટીમે પોતાના ઘરે જ ODI વર્લ્ડ કપ 2023 રમવાનો છે. ODI વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થશે. ઓપનિંગ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. ગત વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડનો ઇંગ્લેન્ડ સામે પરાજય થયો હતો. આ વખતે વર્લ્ડ કપની ટાઈટલ મેચ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે.
ભારત-પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે મેચ રમાશે
આ પહેલીવાર એવું બનશે જ્યારે ભારત એકલા હાથે ODI વર્લ્ડ કપની યજમાની કરશે. આ પહેલા તેણે સંયુક્ત રીતે 1987, 1996 અને 2011 વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023 સીઝનમાં તેની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે રમશે. આ મેચ ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં રમાશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે શાનદાર મેચ રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે 3 મેચની વનડે સીરીઝ રમવાની છે.
10 સ્થળો, 48 મેચ, 45 દિવસ
આ વખતે વર્લ્ડ કપ 2023 માટે 45 દિવસમાં 48 મેચો રમાશે. આ માટે 10 સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં રમશે. પહેલી સેમીફાઈનલ 15 નવેમ્બરે મુંબઈમાં અને બીજી કોલકાતામાં બીજા દિવસે રમાશે. બંને સેમિફાઇનલમાં રિઝર્વ ડે રહેશે. ફાઇનલ મેચ અમદાવાદમાં 19મી નવેમ્બરે યોજાશે જ્યારે 20મી નવેમ્બર રિઝર્વ ડે હશે. ત્રણેય નોકઆઉટ મેચો ડે-નાઈટ રહેશે.
ADVERTISEMENT
