IPL 2024, MS Dhoni, CSK: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024) પહેલા મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા. 17મી સિઝનની શરૂઆતના એક દિવસ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ પોતાના કેપ્ટનને બદલ્યા છે. મહેન્દ્રસિંહ ધોનીના સ્થાને ઋતુરાજ ગાયકવાડને CSKની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. આ સિઝનમાં આ પહેલીવાર નથી જ્યારે કોઈ ફ્રેન્ચાઈઝીના કેપ્ટનને બદલવામાં આવ્યા હોય. આ પહેલા 5 ફ્રેન્ચાઇઝીએ પોતાના કેપ્ટન બદલ્યા છે.
ADVERTISEMENT
શું ધોની પર હતું ભારે દબાણ?
મહેન્દ્રસિંહ ધોનીએ કેપ્ટનશીપ છોડ્યા બાદ સવાલો ઉઠવા લાગ્યા છે કે શું 42 વર્ષીય માહી પર કેપ્ટનશીપ છોડવાનું દબાણ હતું? શું ધોની પાસેથી કેપ્ટન્સી છીનવી લેવામાં આવી છે? શું ધોનીએ પોતાની મરજીથી કેપ્ટનશીપ છોડી દીધી?. તો ફ્રેન્ચાઈઝીએ એક નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી છે કે શા માટે ધોનીને સુકાનીપદેથી હટાવવામાં આવ્યા છે.
ફ્રેન્ચાઈઝીએ જાહેર કર્યું નિવેદન
ઋતુરાજ ગાયકવાડને ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન બનાવવામાં આવ્યા બાદ ફ્રેન્ચાઇઝીએ એક્સ પર એક સત્તાવાર નિવેદન જાહેર કર્યું. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'મહેન્દ્ર સિંહ ધોનીએ ટાટા IPL 2024ની શરૂઆત પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની ઋતુરાજ ગાયકવાડને સોંપી દીધી છે. રૂતુરાજ ગાયકવાડ 2019થી ચેન્નાઈ સુપર કિંગ્સનો અભિન્ન ભાગ છે અને આ સમયગાળા દરમિયાન તેમણે IPLમાં 52 મેચ રમી છે.' CSKના નિવેદનથી સ્પષ્ટ છે કે મહેન્દ્રસિંહ ધોનીએ ઋતુરાજને પોતાની મરજીથી કેપ્ટન બનાવ્યા છે.
મહેન્દ્રસિંહ ધોનીનું પ્રદર્શન
તમને જણાવી દઈએ કે મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 235 મેચ રમી છે અને 142માં જીત મેળવી છે. આ સિવાય CSKને 90 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. 1 મેચ ટાઈ રહી છે અને 2 પણ અનિર્ણિત રહી છે. ધોની ઉપરાંત રવિન્દ્ર જાડેજા અને સુરેશ રૈનાએ પણ CSKનું નેતૃત્વ કર્યું છે. 2022માં રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવાયા હતા, પરંતુ તેઓ સારું પ્રદર્શન ન કરી શકતા ફરી ધોનીના હાથમાં ટીમની કમાન સોંપવામાં આવી હતી. ત્યારે હવે ધોનીએ ઋતુરાજ ગાયકવાડના હાથમાં કમાન સોંપી છે. સુકાની પદ છોડ્યા બાદ એવી અટકળો શરૂ થઈ ગઈ છે કે ધોનીની આ છેલ્લી સિઝન હોઈ શકે છે.
ADVERTISEMENT
