Asia Cup 2023 Final: એશિયા કપ 2023ની ફાઇનલ મેચ રવિવારે કોલંબોમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. આ પહેલા ભારતીય ચાહકો માટે ખરાબ સમાચાર છે. એક રિપોર્ટ મુજબ અક્ષર પટેલ ઈજાગ્રસ્ત છે અને ફાઈનલમાંથી બહાર થઈ શકે છે. ભારતને તાજેતરમાં બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં અક્ષરે 42 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. અક્ષરની ગેરહાજરીમાં વોશિંગ્ટન સુંદરને તક આપવામાં આવી શકે છે.
ADVERTISEMENT
બાંગ્લાદેશ સામેની મેચમાં અક્ષર પટેલ ઈજાગ્રસ્ત
CricBuzzના અહેવાલ અનુસાર, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી છેલ્લી સુપર ફોર મેચ દરમિયાન અક્ષર ઈજાગ્રસ્ત થયો હતો. જોકે તેની ઈજા ગંભીર નથી. અક્ષરે બાંગ્લાદેશ સામે ભારત માટે મહત્વની ઈનિંગ રમી હતી. જોકે તે ટીમ ઈન્ડિયાને જીત અપાવી શક્યો નહોતો. અક્ષરે 34 બોલનો સામનો કર્યો અને 42 રન બનાવ્યા. તેણે 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે અક્ષરે 9 ઓવરમાં 47 રન આપીને એક વિકેટ પણ લીધી હતી.
બેટિંગ સમયે બે વખતે ઈજાગ્રસ્ત થયો અક્ષર
મેચ દરમિાન બેટિંગ કરતા સમયે બે વખતે અક્ષર પટેલ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. બેટિંગ દરમિયાન આગળ આવીને શોટ મારવા જતા બોલ મિસ થઈ ગયો. ઉતાવળમાં પાછા જતા અક્ષર પટેલને ટચલી આંગળી પર ઈજા પહોંચી હતી. આ બાદ બાંગ્લાદેશના ખેલાડીએ થ્રો કરેલો બોલ પણ અક્ષર પટેલના હાથ પર વાગ્યો હતો. બંને વખતે મેદાન પર ફિઝિયોને બોલાવવામાં આવ્યા હતા.
એશિયા કપ 2023ની છેલ્લી સુપર ફોર મેચમાં ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે આ મેચ દ્વારા તેની બેન્ચ સ્ટ્રેન્થની કસોટી કરી હતી. વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહને આરામ આપવામાં આવ્યો હતો. તેની ગેરહાજરીમાં તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ શમીને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ ભારતીય ટીમ આ મેચ જીતી શકી ન હતી. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 265 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ખેલાડીઓ માત્ર 259 રન જ બનાવી શક્યા હતા.
અક્ષરના સ્થાને વોશિંગ્ટન સુંદરને મળી શકે તક
અક્ષરના કારણે ટીમ ઈન્ડિયા વોશિંગ્ટન સુંદરને તક આપી શકે છે. સુંદર એશિયન ગેમ્સ 2023 માટે ટીમ ઈન્ડિયાનો ભાગ છે અને હાલમાં બેંગ્લોરમાં છે. સુંદરને કોલંબોમાં બોલાવી શકાય છે. તેણે ભારત માટે અત્યાર સુધી રમાયેલી 16 ODI મેચોમાં 16 વિકેટ લીધી છે અને 233 રન બનાવ્યા છે. સુંદરે 4 ટેસ્ટ મેચ પણ રમી છે.
ADVERTISEMENT
