Rajasthan CM: રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદનો ચાર્જ કોણ સંભાળશે તે અંગે વિચાર-મંથન અને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આ દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ સીએમ વસુંધરા રાજે (Vasundhara Raje) બુધવારે રાત્રે નવી દિલ્હી પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર વસુંધરા રાજેએ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને મળવા માટે સમય માંગ્યો છે અને તેઓ ગુરુવારે એટલે કે આજે સવારે નડ્ડાને (JP Nadda) મળી શકે છે. જોકે, એરપોર્ટથી બહાર નીકળતી વખતે વસુંધરાએ દિલ્હીની યાત્રાને પારિવારિક ગણાવી હતી અને કહ્યું હતું કે, તે તેમના વહુને મળવા આવ્યા હતા.
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે રાજસ્થાનના બે વખત મુખ્યમંત્રી રહી ચુકેલા વસુંધરા રાજે વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જોરદાર જીત બાદ સીએમ પદના દાવેદારોમાંથી એક છે. વસુંધરા રાજે પોતાના નિવાસસ્થાને 60થી વધુ નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક યોજીને દિલ્હી પહોંચી ગયા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વસુંધરાએ ધારાસભ્યોને મળ્યા બાદ મંગળવારે બીજેપી હાઈકમાન્ડ સાથે ફોન પર વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, તે પાર્ટીના શિસ્તબદ્ધ કાર્યકર છે અને ક્યારેય પાર્ટી લાઇનની બહાર જઈ શકે નહીં.
રાજે કેટલા ધારાસભ્યોને મળ્યા?
આ પહેલા વસુંધરા રાજે પાવર બતાવવાના મૂડમાં જોવા મળ્યા હતા. તેઓ રાત્રિભોજન પર 20 થી વધુ ધારાસભ્યોને મળ્યા હતા. આ પછી વસુંધરા કેમ્પે દાવો કર્યો હતો કે તેમની પાસે 68 ધારાસભ્યોનું સમર્થન છે. આ ઉપરાંત કેટલાક અપક્ષો પણ તેમની સાથે હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ધારાસભ્યોએ આને સૌજન્ય બેઠક ગણાવી હતી અને કહ્યું હતું કે જો પાર્ટી નેતૃત્વ તેમને રાજ્યમાં ટોચના પદ માટે પસંદ કરશે તો તેઓ રાજેને સમર્થન આપશે.
રાજસ્થાનમાં સીએમ પદની રેસમાં કોણ?
રાજ્યમાં સીએમ પદની રેસમાં ભાજપ તરફથી ઘણા ચહેરાઓ છે. વસુંધરા રાજે સિવાય આમાં પહેલું નામ બાલકનાથનું છે. તેઓ તિજારાથી વિધાનસભા પહોંચ્યા છે. આ યાદીમાં બીજું નામ જયપુરના રાજવી પરિવારની રાજકુમારી દિયા કુમારીનું છે. આ બંને લોકસભાના સભ્ય છે પરંતુ હવે પાર્ટીએ તેમને વિધાનસભાની ચૂંટણી લડાવી છે.
વસુંધરા બે વખત સીએમ રહી ચૂક્યા છે
ઝાલરાપાટન બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જીતનાર વસુંધરા રાજે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે. તે 2003 થી 2008 અને 2013 થી 2018 સુધી બે વાર રાજસ્થાનના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. છેલ્લી ચૂંટણી વસુંધરાના ચહેરા પર જ લડવામાં આવી હતી. પરંતુ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સીએમ ચહેરાની જાહેરાત કરી નથી.
ADVERTISEMENT
