બાયડના પૂર્વ ધારાસભ્ય રામસિંહ સોલંકીનું દુઃખદ નિધન, 18 વર્ષની ઉંમરે જ બન્યા હતા બિનહરીફ સરપંચ

ઉત્તર ગુજરાતથી એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે. બાયડના પૂર્વ ધારાસભ્ય રામસિંહ સોલંકીનું 80 વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત નાદુરસ્ત હતી. આમોદરા ગામે રામસિંહ સોલંકીનું નિધન થયું છે. તેમના નિધનથી બાયડ પંથકમાં શોકનો માહોલ છે.

પૂર્વ ધારાસભ્ય રામસિંહ સોલંકીનું નિધન

Former Bayad MLA Ramsinh Solanki has passed away

follow google news

ઉત્તર ગુજરાતથી એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે. બાયડના પૂર્વ ધારાસભ્ય રામસિંહ સોલંકીનું 80 વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત નાદુરસ્ત હતી. આમોદરા ગામે રામસિંહ સોલંકીનું નિધન થયું છે. તેમના નિધનથી બાયડ પંથકમાં શોકનો માહોલ છે.

7 વખત લડ્યા હતા વિધાનસભા ચૂંટણી

રામસિંહ સોલંકી કોંગ્રેસ અને અપક્ષમાં રહી 7 વખત વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. એક વખત લોકસભાની પણ ચૂંટણી લડ્યા હતા. રામસિંહ 1980, 1995, 2002માં કોંગ્રેસના ધારાસભ્ય બન્યા હતા. 1985માં કોંગ્રેસે ટિકિટ ન આપતા તેઓ અપક્ષમાં ચૂંટણી લડ્યા અને જીત્યા હતા

મોબાઇલ કે કાર નથી, ST બસમાં ફરતા

આજે તો કોઇ ઉમેદવાર પાલિકાનો સભ્ય કે સરપંચ બને તો પણ થોડા વર્ષોમાં લખલૂંટ કમાણી કરતો થઇ જાય છે. પણ 4-4 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇને આવ્યા હતા, તેમ છતા પણ તેમની પાસે મોબાઇલ કે કાર નથી. આ સિવાય ડિપોઝીટ ભરવાના પૈસા પણ મતદારો ભેગા કરીને આપતા હતા. આ નેતા એવા હતા કે કાર નહીં પરંતુ સરકારી બસમાં મુસાફરી કરતા હતા. એક ગામથી બીજે ગામ જવા માટે ક્યાં તો પગપાળા કે બસમાં જાય છે.

'મને કોઈ મત આપે કે ન આપે હું સૌનું કામ કરું...'

એક સમયે રામસિંહ સોલંકીએ કહ્યું હતું કે, ધારાસભ્ય તરીકે મેં જે કામ કર્યું છે તે માનવતાને ધ્યાનમાં રાખીને કર્યું છે. હું હમેંશા ભગવાનનો ડર રાખીને સેવા કરું છું. મેં ક્યારેય કોઇ અપેક્ષા રાખી નથી. મને કોઇ મત આપે કે ન આપે બધાનું જ હું કામ કરું છું.

આર્થિક તંગીના કારણે છોડ્યું હતું ભણતર

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના આમોદરા ગામે રામસિંહ સોલંકીનો જન્મ થયો હતો. તેમનો પરિવાર ખેતી અને પશુપાલન સાથે જોડાયેલ છે. તેમને બે દીકરા અને એક દીકરી છે. પિતા રૂપસિંહ સોલંકી ખેતીનો વ્યવસાય કરતા હતા એટલે પિતાને ખેતીના કામમાં મદદ કરતા કરતા ધોરણ 9 સુધી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ એસએસસીની પરીક્ષા આપી હતી, પરંતુ નપાસ થયા હતા. પછી ગરીબીના કારણે વધુ અભ્યાસ કરવાનું માંડી વાળી પિતાને ખેતીમાં મદદ કરવાની સાથે સાથે સમાજ સેવા શરુ કરી.

18 વર્ષની ઉંમરે બિનહરીફ સરપંચ, 60 વર્ષની રાજકીય કારકિર્દી

18 વર્ષની ઉંમર થતાની સાથે 1965માં માત્ર 18 વર્ષ ની ઉંમરે ગામ લોકોએ તેમની સેવાકીય પ્રવૃત્તિથી પ્રભાવિત થઇ રામસિંહ સોલંકીને બિનહરીફ આમોદરા ગામમાં સરપંચ તરીકે ચૂંટી કાઢ્યા હતા. પાંચ વર્ષ ગ્રામ પંચાયતમાં કુશળ વહીવટને કારણે બીજી ટર્મમાં પણ ગામ લોકોએ તેઓને સરપંચ તરીકે નિયુક્ત કર્યા હતા. પોતાના સમયમાં બાયડ વિસ્તારમાં લોકપ્રિય નેતા હતા.

તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ ચૂંટાયા હતા

હવે એ સક્રિય રાજકારણમાં આવ્યા હતા ત્યાર પછી તાલુકા પંચાયતના સદસ્ય તરીકે પણ ચૂંટાયા હતા. એક વખત જિલ્લા પંચાયતમાં પણ સારી એવી બહુમતીથી ચૂંટાયા હતા. તે સમય દરમિયાન પોતાના મત વિસ્તારમાં રોડ, પાણી અને વીજળી જેવી સમસ્યાઓ વિષે સક્રિય પણે સર્વે કરી કેટલીય સમસ્યાઓનો ઉકેલ લાવ્યા હતા. પરંતુ આટલેથી તેમને સંતોષ નહોતો. ધીરે ધીરે સમગ્ર બાયડ તાલુકામાં ખુબ જ પ્રચલિત થયા હતા.

1980માં કોંગ્રેસે આપી હતી વિધાનસભાની ટિકિટ

તેમની નિસ્વાર્થ સેવાનો ભાવ જોઈને 1980માં કૉંગ્રેસ પાર્ટીએ રામસિંહને બાયડ વિધાનસભાની ટિકિટ આપી હતી અને તેઓ જંગી બહુમતીથી જીત્યા હતા. ત્યારબાદ આખા મતવિસ્તારના વિકાસના કામોની વિધાનસભામાં સચોટ રીતે રજૂઆત કરી અને ગામડાઓમાં પાકા રસ્તા ખેતી માટે વીજળી, પીવાના પાણીના પ્રશ્નો હલ કરતા ગયા હતા. રામસિંહ 1980, 1995, 2002માં કોંગ્રેસના ધારાસભ્ય બન્યા હતા.

1985માં કોંગ્રેસે ટિકિટ ન આપતા અપક્ષ ધારાસભ્ય બન્યા

1985ની પ્રથમ ટર્મમાં જીત્યા બાદ 1985માં બીજી ટર્મમાં કોંગ્રેસે તેમને ટિકિટ ના આપી તો તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે બાયડ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. આખા મત વિસ્તારમાં કોઈને પણ ચા-પાણી કે અન્ય કોઈ વ્યવહાર કર્યા વગર મત વિસ્તારમાં પ્રચાર કર્યો હતો. પગે ચાલીને પોતાનું કર્તવ્ય નિભાવતા રહ્યા અને એવા લોકોના મનમાં વાસી ગયા કે ચૂંટણીની ડિપોઝીટ પણ મતદારોએ ભરી આમ કોઈપણ જાતના ખર્ચ વગર અપક્ષ ઉમેદવાર તરીકે બીજી ટર્મમાં બાયડના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.  

ચાર વખત જીત અને ત્રણ વખત મળી હાર

1998માં ભાજપનો વિજય થતા કોંગ્રેસે ફરી 2002માં ટિકિટ આપી અને વિજયી બન્યા. આમ, ચાર-ચાર વખત રામસિંહ સોલંકી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ કુલ 7 વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા. તેમાં ચાર વખત વિજયી બન્યા અને ત્રણ વખત પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

    follow whatsapp