ભાવનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. સવારથી જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરીએ પહોંચી રહ્યા છે અને ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે. ભાવનગરમાં પણ આજે ભાજપ અને AAPના ઉમેદવારો ફોર્મ ભરવા જતા સમયે સામે આવી ગયા હતા.
ADVERTISEMENT
AAPના ઉમેદવારની રેલી ભાજપ કાર્યાલય પાસેથી નીકળી
ભાવનગર શહેર ભાજપ કાર્યાલય પાસે AAPના ઉમેદવાર ફોર્મ ભરવા જઈ રહ્યાં હતા. આ સમયે બંને પાર્ટીના કાર્યકરો સામસામે આવી જતા સૂત્રોચાર કર્યા હતા. AAPના ઉમેદવાર રાજુ સોલંકીની રેલી ભાજપ કાર્યલાય નજીકથી પસાર થઈ રહી હતી. આ સમયે જ ભાજપ કાર્યકરોએ ‘મોદી-મોદી’ના સૂત્રો પોકાર્યા હતા. જ્યારે AAPના કાર્યકરોએ ‘કેજરીવાલના સૂત્રો પોકાર્યા હતા. આમ બંને પાર્ટીના કાર્યકરો સામે આવી જતા રાજકીય માહોલ ગરમાયો હતો.
ભાજપ-કોંગ્રેસના નેતાઓએ ભર્યા ફોર્મ
નોંધનીય છે કે, આજે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતની મજુરા બેઠકથી ફોર્મ ભર્યું હતું. જ્યારે અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ એક્ટિવા પર પત્ની સાથે જઈને ઉમેદવારી પત્ર ભર્યું હતું. જ્યારે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ પણ પોરબંદર પ્રાંત કચેરીએ જઈને ફોર્મ ભર્યું હતું.
ADVERTISEMENT
