Telangana Assembly Election 2023: દેશના પાંચ રાજ્યોમાંથી એકમાત્ર બાકી રહેલી તેલંગાણા વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન શરૂ થઈ ચૂક્યું છે. તમામ 119 બેઠકો માટે વિવિધ રાજકીય પક્ષો અને અપક્ષોના કુલ 2290 ઉમેદવારો મેદાનમાં છે. આ તમામ બેઠકો માટે 35,655 બૂથ પર સવારે 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે અને તેમાં રાજ્યના 3.26 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
ADVERTISEMENT
તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી
તમને જણાવી દઈએ કે 9 ઓક્ટોબરે દેશના પાંચ રાજ્યો મિઝોરમ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટેના સમગ્ર કાર્યક્રમની જાહેરાત ભારતના ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી હતી. તેમાંથી 7 નવેમ્બરે પ્રથમ તબક્કામાં મિઝોરમ અને છત્તીસગઢની 20 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું. 17 નવેમ્બરે બીજા તબક્કામાં છત્તીસગઢની બાકીની 70 બેઠકો અને મધ્યપ્રદેશની તમામ 230 સીટો પર મતદાન થયું હતું. આ પછી તાજેતરમાં 25મી નવેમ્બરે રાજસ્થાનની 200માંથી 199 બેઠકો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે.
3.26 કરોડ મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે
પાંચ રાજ્યોમાંથી તેલંગાણા એક જ બાકી હતું અને અહીં પણ એ ઘડી આવી ગઈ છે, મતદાન કેન્દ્રો પર ધીમે-ધીમે લાઈનો જોવા મળશે. રાજ્યના કુલ 3 કરોડ 26 લાખ 2 હજાર 799 મતદારોમાંથી 1.62 કરોડ પુરુષ, 1.63 કરોડ મહિલા અને 2676 ટ્રાન્સજેન્ડર મતદારો છે. 15,406 સર્વિસ વોટર્સ છે તો 2944 બિન-નિવાસી ભારતીય મતદારો છે. જેમાંથી 9.99 લાખ યુવાનો પ્રથમ વખત મતદાન કરશે.
મતદાન કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત
આ માટે ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ અંગે મુખ્ય ચૂંટણી અધિકારી વિકાસ રાજે જણાવ્યું હતું કે, મતદાન પ્રક્રિયા સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે હાથ ધરવા માટે રાજ્ય પોલીસની 50 કંપનીઓ અને કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની 375 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. રાજ્યના વિવિધ વિભાગોના કુલ 45 હજાર કર્મચારીઓ ઉપરાંત પડોશી રાજ્યોના સાડા 23 હજાર હોમગાર્ડ જવાનોને પણ સુરક્ષા માટે ગોઠવવામાં આવ્યા છે.
આવું છે રાજ્યનું રાજકીય ગણિત
ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) હાલમાં રાજ્યમાં સત્તા પર છે. કે ચંદ્રશેખરના નેતૃત્વ હેઠળ તેમની પાર્ટી સત્તામાં રહેવાનો પ્રયાસ કરી રહી છે જ્યારે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) અને કોંગ્રેસ સત્તામાં આવવાનો પ્રયાસ કરી રહી છે. કુલ 2,290 ઉમેદવારોમાં ભારત રાષ્ટ્ર સમિતિના વડા કે ચંદ્રશેખર રાવ, તેમના પુત્ર કેટી રામા રાવ, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ એ રેવંત રેડ્ડી, ભાજપના લોકસભાના સભ્યો બંડી સંજય કુમાર, ડી અરવિંદ અને સોયમ બાપુરાવની રાજકીય સાખ દાવ પર છે. સીએમ કેસીઆર ગજવેલ અને કામરેડ્ડી ચૂંટણી લડી રહ્યા છે.
ADVERTISEMENT
