'મતોની ફરી થશે ગણતરી, અમાન્ય જાહેર કરાયેલા 8 મત હવે રહેશે માન્ય', ચંદીગઢ મેયરની ચૂંટણી મામલે સુપ્રીમ કોર્ટનો કડક આદેશ

આમ આદમી પાર્ટી માટે ચંદીગઢના મેયર બનવાનો રસ્તો સાફ

Chandigarh Mayor Poll Case

સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?

follow google news

Chandigarh Mayor Poll Case: ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે મેયરની ચૂંટણીમાં પડેલા મતોની પુન: ગણતરી કરવાનો આદેશ આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની બેંચે બેલેટ પેપરની તપાસ કર્યા પછી કહ્યું કે અમાન્ય જાહેર કરાયેલા 8 મત AAP ઉમેદવાર કુલદીપ કુમારની તરફેણમાં પડ્યા હતા. આ રીતે હવે આમ આદમી પાર્ટી માટે ચંદીગઢના મેયર બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. કોર્ટે કહ્યું કે અમે આદેશ આપીશું કે મેયરની ચૂંટણીના મતોની ફરીથી ગણતરી કરવામાં આવે. આ સિવાય જે 8 વોટ નામંજૂર થયા હતા તે પણ હવે ગણતરીમાં લેવામાં આવે.

સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?

આજે સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય ન્યાયાધીશે વકીલો અને નિરીક્ષકોને બેલેટ પેપર બતાવ્યા અને કહ્યું કે, જે 8 બેલેટ પેપર અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા, તે તમામ પર કુલદીપ કુમાર માટે સ્ટેમ્પ લગાવવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે અનિલ મસીહે આ બેલેટ પેપર પર લાઈન ખેંચી હતી. કોર્ટે એમ પણ પૂછ્યું કે જ્યારે કોઈ ગેરરીતિ નથી તો પછી તમે તેમને ગેરકાયદે જાહેર કરીને લાઈન કેમ ખેંચી? આ અંગે અનિલ મસીહના વકીલોએ કહ્યું કે મતદાન દરમિયાન વાતાવરણ બગડ્યું હતું. આવી સ્થિતિમાં અનિલ મસીહને લાગ્યું કે કદાચ આ લોકો બેલેટ પેપરમાં કોઈ ગેરરીતિ કરી રહ્યા છે.

AAP માટે ચંદીગઢના મેયર બનવાનો રસ્તો સાફ

તે જ સમયે, સુપ્રીમ કોર્ટે ફક્ત જૂના મતોની પુનઃગણતરી કરવાનું કહ્યું છે અને અમાન્ય જાહેર કરાયેલા 8 મતોને સાચા તરીકે સ્વીકાર્યા છે. આવી સ્થિતિમાં, નવી મતગણતરી સાથે, AAP માટે ચંદીગઢના મેયર બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના આદેશ પહેલા જ મેયર તરીકે ચૂંટાયેલા ભાજપના ઉમેદવાર મનોજ સોનકરે રાજીનામું આપી દીધું છે.
 

    follow whatsapp