Vasundhara Raje Rajasthan CM Name Slip Video Viral: ભાજપ હાઈકમાન્ડ દ્વારા લાંબા સમય સુધી વિચાર-વિમર્શ કર્યા બાદ રાજસ્થાનના મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભજનલાલ શર્માની રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. મંગળવારે ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, આ નિર્ણય ખુદ પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે માટે પણ ‘ચોંકાવનારો’ રહ્યો.
ADVERTISEMENT
ચિઠ્ઠીમાં નામ વાંચતા જ ચોંકી ગયા
વસુંધરા રાજેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ રક્ષામંત્રી રાજનાથ સિંહની બાજુમાં બેઠેલા છે. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે તેમની બાજુમાં બેઠેલા રાજનાથ સિંહ તેમને કંઈક કહે છે, ત્યારે વસુંધરા રાજે ચિઠ્ઠી ખોલે છે અને ચોંકી જાય છે. જોકે, તેઓ ચીઠ્ઠીમાં લખેલા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરતા નથી અને મૌન જાળવી રાખે છે. આ દરમિયાન વસુંધરા રાજેના ચહેરાના હાવભાવ પણ જોવાલાયક હતા.
બે નાયબ મુખ્યમંત્રીના નામ પણ જાહેર
આ સાથે ભાજપે રાજસ્થાનમાં બે મુખ્યમંત્રીની ફોર્મ્યુલા પણ આપી છે. પૂર્વ રાજવી અને રાજપૂત ચહેરો દિયા કુમારી અને અનુસૂચિત જાતિના પ્રેમચંદ બૈરવાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. આ પહેલા વસુંધરા રાજેએ હાઈકમાન્ડની સામે શક્તિ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપની જીતના એક દિવસ બાદ ઘણા ધારાસભ્યો વસુંધરા રાજેના ઘરે પહોંચ્યા હતા. જોકે, વસુંધરા રાજેએ હાઈકમાન્ડ સામે કોઈ વાત કરી ન હતી. વસુંધરા રાજેના દીકરા દુષ્યંત સિંહ પર પણ કેટલાક ધારાસભ્યોને રિસોર્ટમાં કેદ કરવાનો આરોપ લાગ્યો હતો.
જેપી નડ્ડા સાથે કરી હતી મુલાકાત
આ પછી વસુંધરા રાજે અને દુષ્યંત સિંહે દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. એવું માનવામાં આવે છે કે આ દરમિયાન વસુંધરા રાજેને ખ્યાલ આવી ગયો હતો કે તેઓ મુખ્યમંત્રી પદ સુધી પહોંચી શકશે નહીં. બે રાજ્યોમાં નવા સીએમની જાહેરાત બાદ આખરે વસુંધરા રાજેએ પીછેહઠ કરવી પડી હતી. હવે રાજ્યના રાજકારણમાં તેમની ભૂમિકા શું રહે છે તે જોવું રસપ્રદ રહેશે.
ADVERTISEMENT
