Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે. એક તરફ કોંગ્રેસ પાર્ટી ઈન્ડિયા ગઠબંધનના સહયોગી પક્ષો સાથે મળીને લગભગ 300 સીટો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી 2024ની લડાઈમાં 450થી વધુ બેઠકો પર ચૂંટણી લડી શકે છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. આ વચ્ચે હવે ચૂંટણીની તારીખોને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે.
માર્ચ મહિનામાં જાહેર થઈ શકે છે તારીખો
છેલ્લા ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી છે કે આ વખતે લોકસભાની ચૂંટણી વહેલા યોજાશે. જોકે, હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકસભાની ચૂંટણીની તારીખો માર્ચના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં જાહેર થઈ શકે છે. લોકસભાની ચૂંટણી છથી સાત તબક્કામાં યોજાય તેવી સંભાવના છે.
ગુજરાતમાં અપ્રિલમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ગુજરાતની 26 બેઠકોની ચૂંટણી એપ્રિલના ત્રીજા અથવા ચોથા સપ્તાહમાં યોજાય તેવી શક્યતાઓ છે. તો યુપી, મહારાષ્ટ્ર, બંગાળ અને બિહાર સહિતના રાજ્યોમાં ચૂંટણી તમામ તબક્કામાં થાય તેવા સંકેત છે. આપને જણાવી દઈએ કે, 2019માં 10મી માર્ચે ચૂંટણીની તારીખોનું એલાન થયું હતું. જોકે, હાલ લોકસભાની ચૂંટણીની તારીખોને લઈને સત્તાવાર માહિતી સામે આવી નથી.