India-Canada Tension: ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી રહ્યો છે. દરમિયાન ખાલિસ્તાની જૂથ શીખ ફોર જસ્ટિસ (SFJ) એ કેનેડાના મોટા શહેરોમાં ભારતીય રાજદ્વારી દૂતાવાસોની બહાર વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. ખાલિસ્તાની સંગઠનના વિરોધના એલાનને કારણે કેનેડાના ઓટાવા, ટોરોન્ટો અને વેનકુવરમાં ભારતીય દૂતાવાસોની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પરિસ્થિતિ પર નજર રાખવા માટે પોલીસ અને ફેડરલ પોલીસ કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે ભારતીય દૂતાવાસોને બેરિકેડ કરી દીધા છે.
ADVERTISEMENT
ભારતીય દૂતાવાસ બહાર વિરોધ પ્રદર્શન
કેનેડામાં શીખ્સ ફોર જસ્ટિસના ડિરેક્ટર જતિન્દર સિંહ ગ્રેવાલે રવિવારે કહ્યું હતું કે, તેમની સંસ્થા ટોરોન્ટો, ઓટાવા અને વાનકુવરમાં ભારતીય દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસની બહાર નિજ્જરની હત્યા અંગે જનજાગૃતિ લાવવા માટે પ્રદર્શનનું નેતૃત્વ કરશે. ગ્રેવાલે કહ્યું કે અમે કેનેડાને ભારતીય રાજદૂતને હાંકી કાઢવા માટે કહી રહ્યા છીએ.
નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીનો આક્ષેપ
વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ બ્રિટિશ કોલંબિયામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ડાની સંભવિત સંડોવણીનો આરોપ મૂક્યો હતો. આના એક સપ્તાહ બાદ ખાલિસ્તાની જૂથે તેના સભ્યો પાસેથી વિરોધની હાકલ કરી છે.
ભારત સરકારે આરોપોને ફગાવ્યા
ટ્રુડોએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે, અમે વિશ્વાસપાત્ર આક્ષેપો કરી રહ્યા છીએ કે 18 જૂને હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટો સામેલ હોઈ શકે છે. આ પછી કેનેડાના વિદેશ મંત્રીએ ભારતીય ગુપ્તચર ચીફ પવન કુમાર રાયને કેનેડામાંથી હાંકી કાઢ્યા હતા. જો કે, ભારત સરકારે કેનેડાના આરોપોને ફગાવી દીધા છે અને તેમને “વાહિયાત” ગણાવ્યા છે. ટ્રુડોના આરોપોના કલાકો પછી, ભારતે કેનેડિયન રાજદ્વારી ઓલિવર સિલ્વેસ્ટરને હાંકી કાઢ્યા અને કેનેડિયનોને નવા વિઝા આપવાનું સ્થગિત કર્યું.
તેમના આરોપને પુનરાવર્તિત કરતા, ટ્રુડોએ તાજેતરમાં જણાવ્યું હતું કે ઓટ્ટાવા પાસે જૂનમાં હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે ભારત સરકારના એજન્ટોને જોડતી વિશ્વસનીય ગુપ્ત માહિતી છે, જેના પર નવી દિલ્હીએ નારાજગી વ્યક્ત કરી હતી. 45 વર્ષીય નિજ્જર કેનેડાનો નાગરિક હતો. સીબીસી ન્યૂઝે સૂત્રોને ટાંકીને ગુરુવારે અલગથી અહેવાલ આપ્યો હતો કે શીખ અલગતાવાદી નેતાની હત્યાની મહિનાઓ સુધી ચાલેલી તપાસમાં કેનેડિયન સરકારે માનવીય અને સિગ્નલ બંને પ્રકારની ગુપ્ત જાણકારી એકત્ર કરી છે.
ADVERTISEMENT
