બર્મિંગહામઃ ઈન્ડિયન મેન્સ ટેબલ ટેનિસ ટીમે કોમનવેલ્થ ગેમ્સ 2022માં શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ જીતી લીધો છે. એટલું જ નહીં ભારતીય ટેબલ ટેનિસ ટીમમાં ગુજરાત રાજ્યના હરમિત દેસાઈનું યોગદાન પણ શાનદાર રહ્યું હતું. નાની ઉંમરથી જ હરમિત ઈન્ટરનેશનલ સ્પર્ધાઓ રમતો થઈ ગયો હતો. ફાઈનલ મેચમાં ભારતે સિંગાપુરને 3-1થી હરાવ્યું હતું. ભારત તરફથી હરમીત દેસાઈ અને જી સાથિયાને ડબલ્સ મેચમાં જીત દાખવી ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. જોકે ત્યારપછી સિંગાપુરના ચ્યૂ ઝે યૂ ક્લેરેન્સે બીજી ગે જીતી સિંગાપુરને 1-1ની બરાબરી પર લાવી દીધું હતું ત્યારપછી કાંટાની ટક્કર સમાન મેચમાં ભારતના સાથિયાન અને હરમીત દેસાઈએ પોતપોતાની મેચ જીતી ગોલ્ડ સુનિશ્ચિત કરી લીધો હતો.
ADVERTISEMENT
નરેન્દ્ર મોદી અને હર્ષ સંઘવીએ શુભેચ્છા પાઠવી
સુરતના હરમિત દેસાઈ ગોલ્ડ મેડલ જીત્યા પછી તેના પર શુભેચ્છાઓનો વરસાદ થવા લાગ્યો હતો. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને હરમિતને શુભેચ્છા પાઠવી હતી તો આની સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભારતની ટીમ તથા તમામ ખેલાડીને ગોલ્ડ મેડલ જીતવા બદલ શુભેચ્છા પાઠવી હતી.
ભારતે અત્યારસુધી 5 ગોલ્ડ જીત્યા
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે અત્યારસુધી 12 મેડલ જીત્યા છે, જેમાં પાંચ ગોલ્ડ, ચાર સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ સામેલ છે. આની ખાસ વાત એ રહી છે કે આમાં આઠ મેડલ વેઈટલિફ્ટિંગમાં આવ્યા છે. જ્યારે 2 મેડલ જૂડોમાં ભારતે જીત્યા છે. આની સાથે જ લોન બોલ્સમાં મહિલા ટીમ અને ટેબલ ટેનિસમાં પુરુષ ટીમે ગોલ્ડ જીતી લીધા છે.
ભારતીય ટેબલ ટેનિસ ટીમનો સતત બીજો ગોલ્ડ
2018 કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ભારતીય ટેબલ ટેનિસ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ દરમિયાન ફાઈનલમાં ભારતે નાઈજીરિયાને 3-0થી હરાવ્યું હતું. ત્યારપછી આ 2022માં સતત બીજીવાર ગોલ્ડ જીતી ભારતે શાનદાર સિદ્ધિ પોતાને નામ કરી લીધી છે.
ADVERTISEMENT
