Hepatitis A Cases: કેરળ છેલ્લા કેટલાક વર્ષોથી હેપેટાઈટિસ Aના ગંભીર પ્રકોપ સામે ઝઝૂમી રહ્યું છે. છેલ્લા 4 મહિનામાં રાજ્યમાં હેપેટાઈટિસ Aના 2 હજારથી વધુ કેસ સામે આવ્યા છે, જ્યારે તેનાથી 12 લોકોના મોત થયા છે. હવે કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે અધિકારીઓને રાજ્યમાં હેપેટાઈટિસ Aના વધતા જતાં કેસોને પહોંચી વળવા માટે જમીની સ્તરના એક્શન પ્લાનને મજબૂત કરવાનો નિર્દેશ આપ્યો છે.
ADVERTISEMENT
આ વિસ્તારોમાં હેપેટાઈટિસથી થયા મૃત્યુ
એક સરકારી નિવેદન અનુસાર, મલપ્પુરમના ચલિયાર અને પોથુકલ્લુ વિસ્તારોમાં હેપેટાઈટિસથી મૃત્યુ થયા છે અને આ વિસ્તારોમાં હેપેટાઈટિસના સંક્રમણને અટકાવવા માટે કરવામાં આવેલી કાર્યવાહી અને જાગૃતિ પ્રવૃત્તિઓનું મુલ્યાંકન કરીને પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પોથુકલ્લુમાં કમળો કાબૂમાં હતો. નવા કેસ સામે આવ્યા બાદ જિલ્લા તબીબી અધિકારીની આગેવાની હેઠળ જિલ્લા વહીવટીતંત્ર અને જનપ્રતિનિધિઓએ નિયંત્રણ પ્રવૃત્તિઓને મજબૂત કરવા માટે ચલિયાર અને પોથુકલ્લુમાં બેઠકો યોજી હતી.
હોટલો અને રેસ્ટોરન્ટને અપાઈ સૂચના
અસરગ્રસ્ત વિસ્તારોમાં પીવાના પાણીના તમામ સ્ત્રોતોને ક્લોરીનયુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે. તમામ હોટલો અને રેસ્ટોરન્ટને માત્ર ઉકાળેલું પાણી જ પીરસવાની સૂચના આપવામાં આવી છે. હેપેટાઈટિસ A વાયરસ લીવરને પ્રભાવિત કરે છે અને દૂષિત ખોરાક અને પાણી અથવા કોઈ સંક્રામક વ્યક્તિના સીધા સંપર્કના માધ્યમથી ફેલાય છે.
હેપેટાઈટિસ A ના લક્ષણો શું છે?
જે લોકોને હેપેટાઈટીસ A હોય છે, તેઓને બેથી છ અઠવાડિયા સુધી કમળો થાય છે અને ધીમે-ધીમે સ્વસ્થ થઈ જાય છે. તેનાથી લીવરને કાયમી નુકસાન થતું નથી. દુર્લભ કિસ્સાઓમાં હેપેટાઇટિસ એ લીવર ફેલિયર અથવા મૃત્યુનું કારણ પણ બની શકે છે. આ વૃદ્ધ લોકો અને પહેલેથી જ કોઈ બીમારીથી પીડિત લોકોમાં વધુ હોઈ શકે છે.
હેપેટાઈટિસ Aના લક્ષણોમાં થાક, તાવ, પેટમાં દુખાવો, ઉબકા, ઉલટી, ઝાડા, ભૂખ ન લાગવી, ખંજવાળ અને કમળો (આંખો, પેશાબ, ચામડી અને નખ પીળા પડવા)નો સમાવેશ થાય છે. પગલાંઓમાં ઉકાળેલું પાણી પીવું, ખુલ્લામાં શૌચ કરવાનું ટાળવું અને જમતા પહેલા હાથ ધોવા વગેરેનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT