કર્ણાટકઃ કોંગ્રેસ કમિટિના પ્રવક્તા અને કર્ણાટકનાં MLA પ્રિયાંક ખડગેએ સરકારી નોકરી મેળવવા મુદ્દે વિવાદાસ્પદ ટિપ્પણી આપી છે. તેમણે રાજ્ય સરકાર પર આરોપ લગાવતા કહ્યું હતું કે સરકારી નોકરી માટે છોકરીઓને ઉચ્ચ અધિકારીઓ સાથે ઉંઘવુ પડે છે, જ્યારે છોકરાઓએ લાંચ આપીને પોતાની જગ્યા લેવી પડે છે. આ નિવેદનથી સ્પષ્ટપણે તેમણે કથિત ભરતી કૌભાંડ પર આ ટિપ્પણી કરી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. એટલું જ નહીં તેમણે આની વિગતવાર તપાસ માટે SITની રચના કરવી જોઈએ તથા સરકારે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર કેસ ચલાવવા ટકોર કરી છે.
ADVERTISEMENT
છોકરીઓએ સ્વમાન દાવ પર મુકવું પડે છે- MLA
પ્રિયાંક ખડગેએ ભરતી કૌભાંડ પર નિશાન સાધતા જણાવ્યું કે સરકાર કેટલીક જગ્યાઓ પોતાની પાસે રાખે છે. ત્યારપછી જો કોઈ છોકરીને આ સરકારી નોકરી જોઈતી હોય તો અધિકારી સાથે બેડ શેર કરવો પડે છે. એટલું જ નહીં મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એક મંત્રીએ પણ આવી ઓફર છોકરીને કરી હતી. વળી જો છોકરાને નોકરી જોઈતી હોય તો મોટી રકમ લાંચમાં આપવી પડે છે.
ભરતીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
કોંગ્રેસના નેતાએ વધુમાં આરોપ લગાવતા કહ્યું કે કર્ણાટક પાવર ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડે એન્જિનિયર્સની ભરતીમાં મોટાપાયે કૌભાંડ આચર્યું છે. તેમણે કહ્યું કે આમાં કુલ 1492 જેટલા પદ પર ભરતી પ્રક્રિયા શરૂ થઈ હતી. જેમાં એક વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન બ્લૂટૂથનો ઉપયોગ કરતો નજરે પડ્યો હતો. તો બીજી બાજુ એવી શંકા છે કે જુનિયર એન્જિનિયરની નોકરી મેળવવા માટે 30 લાખ રૂપિયાની લાંચ આપવી પડે છે. જ્યારે આસિસ્ટન્ટ એન્જિનિયરની નોકરી માટે 50 લાખ રૂપિયાની લાંચ આપવાની માહિતી સામે આવી હતી. આ પ્રમાણે કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું છે.
ADVERTISEMENT
