સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધીશ ફાતિમા બીવીનું નિધન, 96 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Fatima Beevi Passes Away: સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધીશ ફાતિમા બીવીનું આજે (23 નવેમ્બર) 96 વર્ષની વયે નિધન થયું છે. તેમના લાંબા અને શાનદાર કરિયરમાં…

gujarattak
follow google news

Fatima Beevi Passes Away: સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધીશ ફાતિમા બીવીનું આજે (23 નવેમ્બર) 96 વર્ષની વયે નિધન થયું છે. તેમના લાંબા અને શાનદાર કરિયરમાં દિવંગત જસ્ટિસ ફાતિમા બીવીએ દેશભરમાં મહિલાઓ માટે એક આદર્શ તરીકે સેવા આપી છે. ફાતિમા બીવીનું નામ માત્ર ન્યાયતંત્રમાં જ નહીં પરંતુ દેશના ઈતિહાસમાં પણ સુવર્ણ અક્ષરોમાં અંકિત છે.

તમિલનાડુના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે ફાતિમા બીવી

ફાતિમા બીવી તમિલનાડુના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. ફાતિમા બીવીએ સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયા બાદ તમિલનાડુના રાજ્યપાલ તરીકે નિયુક્ત થઈને રાજકીય ક્ષેત્રે પણ પોતાની અલગ છાપ છોડી છે.

1989માં બન્યા હતા સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધીશ

ફાતિમા બીવી વર્ષ 1989માં સુપ્રીમ કોર્ટના મહિલા ન્યાયાધીશ બન્યા હતા, જેઓ પ્રથમ ભારતીય મહિલા હતા. ફાતિમા બીવીને 3 ઓક્ટોબર 1993ના રોજ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (ભારત)ના સભ્ય બનાવવામાં આવ્યા હતા.

કેરળમાં થયો હતો જન્મ

ફાતિમા બીવીનો જન્મ 30 એપ્રિલ, 1927ના રોજ ત્રાવણકોર પથનમથિટ્ટા (વર્તમાનમાં ભારતીય રાજ્ય કેરળ)માં થયો હતો. તેમના પિતાનું નામ મીરા સાહેબ હતું. જ્યારે તેમની માતાનું નામ ખડેજા બીબી હતું. ફાતિમા બીવી છ બહેનો અને બે ભાઈઓમાં સૌથી મોટા હતા.

કાઉન્સિલની પરીક્ષામાં ટોપ કર્યું

ફાતિમા બીવીએ જણાવ્યું હતું કે તેમના પિતાએ તેમને લૉનો અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે 1950માં બાર કાઉન્સિલની પરીક્ષામાં ટોપ કર્યું હતું અને બાર કાઉન્સિલમાં ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ મહિલા બન્યા હતા. કેરળમાં એક વકીલ તરીકે તેમના કરિયરની શરૂઆત કરી અને 1974માં જિલ્લા અને સત્ર ન્યાયાધીશ બનવા સુધી કામ કર્યું.

1983માં હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે થયા હતા નિયુક્ત

ફાતિમા બીવી 1980માં ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલમાં સામેલ થયા હતા અને 1983માં હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા હતા. તેમને 1989માં સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ બનાવવામાં આવ્યા હતા. આની સાથે જ તેમણે ઈતિહાસ રચ્યો હતો. ફાતિમા બીવી વર્ષ 1993માં નિવૃત્ત થયા હતા. આ પછી તેમણે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના સભ્ય તરીકે કામ કર્યું અને પછી તમિલનાડુના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

    follow whatsapp