Bangladesh Unrest: બાંગ્લાદેશમાં અનામત વિરોધી વિદ્યાર્થી આંદોલન વધુ ઉગ્ર બનતા વડાપ્રધાન શેખ હસીનાએ 5 ઓગસ્ટ, સોમવારે પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ પછી તેઓ દેશ છોડીને ઢાકાથી અગરતલા થઈને ભારત પહોંચ્યા છે. તેમનું C-130 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સાંજે 6 વાગ્યે ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર પહોંચ્યું હતું. અહીંથી તેઓ લંડન, ફિનલેન્ડ કે અન્ય દેશોમાં જઈ શકે છે. એવી ચર્ચા છે કે હસીના આજે લંડન જઈ શકે છે. બાંગ્લાદેશમાં સંકટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક કરી, જ્યારે શેખ હસીના ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર એક સેફ હાઉસમાં છે.
ADVERTISEMENT
તાત્કાલિક બોલાવાઈ સર્વપક્ષીય બેઠક
બાંગ્લાદેશમાં સર્જાયેલા રાજકીય સંકટ વચ્ચે દિલ્હીમાં હંગામો વધી ગયો છે. કેન્દ્ર સરકારે પાડોશી દેશની સ્થિતિ પર ચર્ચા કરવા અને ભવિષ્યની રણનીતિ બનાવવા માટે સવારે 10 વાગ્યે સંસદ ભવન ખાતે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર બાંગ્લાદેશની રાજકીય સ્થિતિ અંગે માહિતી આપશે. કેન્દ્ર સરકારના મુખ્ય પ્રધાનો ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, ટીએમસીના સુદીપ બંદોપાધ્યાય, સપાના વડા અખિલેશ યાદવ સહિત વિરોધ પક્ષોના વરિષ્ઠ નેતાઓ સર્વપક્ષીય બેઠકમાં હાજર રહેશે.
કોણ કરશે પ્રતિનિધિત્વ?
બાંગ્લાદેશની સ્થિતિ પર સર્વપક્ષીય બેઠકમાં ગૃહ પ્રધાન અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી જયશંકર અને સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ સરકારનું પ્રતિનિધિત્વ કરશે.
જવાનોને એલર્ટ રહેવાની સૂચના
બાંગ્લાદેશ સાથેની ભારતીય સરહદો પર સંપૂર્ણ સતર્કતા સાથે નજર રાખવામાં આવી રહી છે. બીએસએફે તેના સર્વેલન્સ વિસ્તારની સરહદો પર એલર્ટ જાહેર કર્યું છે. ઘૂસણખોરી ન થાય તે માટે સુરક્ષા દળોને ચાંપતી નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. BSF જવાનોને ભારત-બાંગ્લાદેશ સરહદ પર 24×7 એલર્ટ પર રહેવાની સૂચના આપવામાં આવી છે. BSFના ડીજી દલજીત ચૌધરી સતત બીજા દિવસે ભારત-બાંગ્લાદેશ સરહદની મુલાકાતે છે. તેઓ આજે પશ્ચિમ બંગાળમાં પેટ્રાપોલ ક્રોસિંગની મુલાકાત લેશે. બીએસએફના મહાનિર્દેશક સુંદરબન વિસ્તારની મુલાકાત લઈ ચૂક્યા છે.
ખતરનાક આતંકીઓ જેલ છોડી ભાગ્યા
બાંગ્લાદેશમાં ચાલી રહેલી અશાંતિ દરમિયાન પ્રતિબંધિત ઇસ્લામિક આતંકવાદી સંગઠન જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB) અને અંસારુલ્લા બાંગ્લાના ઘણા ખતરનાક આતંકીઓ જેલમાંથી ભાગી ગયા હોવાની બાતમી મળી છે. તેમના ભારતમાં ઘૂસવાની શક્યતાઓને લઈને એજન્સીઓ સતર્ક છે. આ આતંકવાદી સંગઠનો ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સરહદી રાજ્યોમાં સક્રિય છે.
ADVERTISEMENT
