Congress Nari Nyay Guarantee: લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીએ મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે. કોંગ્રેસે 'નારી ન્યાય ગેરંટી'ની જાહેરાત કરી છે, જે અંતર્ગત પાર્ટી દેશમાં મહિલાઓ માટે નવો એજન્ડા સેટ કરવા જઈ રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે 'નારી ન્યાય ગેરંટી' દ્વારા કોંગ્રેસ 5 જાહેરાતો કરી રહી છે.
ADVERTISEMENT
મહિલાને વાર્ષિક 1 લાખ રૂપિયાની સહાય
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે 'નારી ન્યાય ગેરંટી યોજના' હેઠળ પહેલી જાહેરાત મહાલક્ષ્મી ગેરંટી છે. આ અંતર્ગત દરેક ગરીબ પરિવારની એક-એક મહિલાને વાર્ષિક 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. બીજી જાહેરાત 'અડધી વસ્તીને સંપૂર્ણ અધિકાર' છે. આ અંતર્ગત કેન્દ્ર સરકારના સ્તરે થતી નવી ભરતીઓમાં અડધાથી વધુનો અધિકાર મહિલાઓને મળશે.
માસિક આવકમાં કેન્દ્ર સરકારનું યોગદાન કરાશે બમણું
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ત્રીજી જાહેરાત 'શક્તિનું સન્માન' છે. આ અંતર્ગત આંગણવાડી, આશા અને મધ્યાહન ભોજન કાર્યકરોની માસિક આવકમાં કેન્દ્ર સરકારનું યોગદાન બમણું કરવામાં આવશે. ચોથી ઘોષણા 'અધિકાર મૈત્રી' છે. આ અંતર્ગત મહિલાઓમાં જાગૃતિ લાવવા માટે દરેક પંચાયતમાં એક પેરાલીગલની નિમણૂક કરવામાં આવશે. પાંચમી જાહેરાત 'સાવિત્રીબાઈ ફૂલે હોસ્ટેલ' છે. ભારત સરકાર જિલ્લા મથકે કામ કરતી મહિલાઓ માટે ઓછામાં ઓછી એક હોસ્ટેલ બાંધશે. આ હોસ્ટેલની સંખ્યા દેશભરમાં બમણી કરવામાં આવશે.
ADVERTISEMENT
