અમદાવાદ: રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી (Vipul Chaudhary) તથા તેમના સીએની દૂધ સાગર ડેરીમાં ભ્રષ્ટાચાર મામલે ACB દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જે બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રાજ્યમાં આગામી થોડા દિવસોમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે, આ પહેલા જ વિપુલ ચૌધરીની ધરપકડની અસર ઉત્તર ગુજરાતના ચૂંટણી પરિણામો પર દેખાઈ શકે છે.
ADVERTISEMENT
ઉત્તર ગુજરાતમાં વિપુલ ચૌધરીનો દબદબો
પૂર્વ ગૃહમંત્રી વિુપલ ચૌધરીનો ઉત્તર ગુજરાતમાં ભારે દબદબો છે. સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર તથા અરવલ્લી સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ચૌધરી સમાજના મતદારોમાં તેઓ ખૂબ લોકપ્રિય નેતા પણ છે. વિપુલ ચૌધરી આ વખતે વિધાનસભા ચૂંટણી લડવા ઈચ્છતા હતા. સાગર સૈનિક, અર્બુદા સેના અને અર્બુદા મહિલા સેના બનાવીને તેમણે ચૌધરી સમાજનાં ગામોમાં ભરપૂર પ્રચાર શરૂ કર્યો હતો. જોકે ભાજપમાંથી તેમને ટિકિટ મળવાની સંભાવના નહોતી. એવામાં તેમને કોંગ્રેસ કે AAPમાં જવાની શક્યતા હતી. એવામાં તેમને ચૂંટણી લડતા રોકવા માટે આ પ્રકારની કાર્યવાહી કરવાના આક્ષેપ પણ લાગી રહ્યા છે.
ભાજપમાં જ એક પક્ષ તેમની સાથે અને એક પક્ષ સામે હતો
જોકે ભાજપમાં જ એક પક્ષ તેમના વિરોધમાં હતો. જ્યારે એક પક્ષ તેમની તરફેણમાં હતો. થોડા સમય પહેલા જ ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ અર્બુદા સેનાના કાર્યક્રમમાં વિપુલ ચૌધરીને સક્રિય રાજકારણમાં લાવી ગુજરાતના ગૃહમંત્રી બનાવવાની વાત કરી હતી. બીજી તરફ ભાજપમાં જ એક પક્ષ તેમની વિરુદ્ધમાં છે.
વર્ષ 2021માં યોજાયેલી દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ભાજપ સમર્થિત જ અશોક ચૌધરીની પરિવર્તન પેનલનો વિજય થયો હતો. અશોક ચૌધરીને 15માંથી 13 બેઠક મળી હતી. આમ ભાજપની જ સમર્થિત પેનલે વિપુલ ચૌધરીને હરાવ્યા હતા. આ વર્ષે જૂન મહિનામાં દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભામાં પણ વિપુલ ચૌધરી અને અશોક ચૌધરીના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જે ભાજપમાં જ એક પક્ષ તેમનાથી નારાજ હોવાનું સ્પષ્ટ સૂચવે છે.
વિપુલ ચૌધરી સામેની કાર્યવાહીથી અર્બુદા સેનામાં રોષ
વિપુલ ચૌધરી આંજણા ચૌધરી સમાજના છે અને ઉત્તર ગુજરાતની ઘણી બેઠકો પર તેઓ સારું એવું પ્રભુત્વ ધરાવે છે. તેમની વિરુદ્ધની કાર્યવાહીથી ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજમાં ભારે નારાજગી પણ જોવા મળી રહી છે. ઘણી જગ્યાઓ પર વિપુલ ચૌધરીના સમર્થનમાં લોકો સરકાર સામે રોષ પ્રગટ કરી રહ્યા છે. ખાસ કરીને અર્બુદા સેનાના કાર્યકરો સરકારની આ કામગીરીનો વિરોધ કરી રહ્યા છે. એવામાં ભાજપ સાથેની તેમની નારાજગીની અસર આગામી વિધાનસભા ચૂંટણીમાં કેટલી થશે તે તો પરિણામ આવ્યા પછી જ ખબર પડશે.
ADVERTISEMENT
