વ્યક્તિ પોતાના ઘરમાં સિટી વગાડે એ પાડોશણની જાતિય સતામણી ન કહેવાય: હાઈકોર્ટ

મુંબઈ: બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે SC મહિલા દ્વારા ત્રણ પાડોશીઓ પર કરવામાં આવેલા એટ્રોસિટીની ફરિયાદમાં ધરપકડ પહેલા જામીન અરજી મંજૂર કરી છે. કોર્ટે પોતાના ચુકાદામાં…

gujarattak
follow google news

મુંબઈ: બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે SC મહિલા દ્વારા ત્રણ પાડોશીઓ પર કરવામાં આવેલા એટ્રોસિટીની ફરિયાદમાં ધરપકડ પહેલા જામીન અરજી મંજૂર કરી છે. કોર્ટે પોતાના ચુકાદામાં એમ પણ જણાવ્યું કે, ઘરમાંથી સીટી મારવી, અવાજ કરવો કે ઈશારા કરવા એ બિભત્સ ઈશારા ન કહેવાય. જસ્ટિસ વિભા કંકણવાડી અને જસ્ટિસ વાઘવસેનીની બેન્ચે નોંધ્યું કે, અપીલકર્તાએ ફરિયાદી સામે અગાઉ પણ ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે પોલીસે તેમની ફરિયાદ નહોતી લીધી.

મહિલાએ કરી હતી જાતિય સતામણીની ફરિયાદ
અપીલકર્તાની પાડોશી મહિલા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે, આરોપી ધાબા પરથી સિટીઓ મારતો હતો, વાસણ ખખડાવીને સતત અવાજો કરતો હતો અને વાહનનો રિવર્સ હોર્ન સતત વગાડ્યા કરતો હતો અને તેની સામે જોયા કરતો તથા ઘરનો વીડિયો મોબાઈલમાંથી ઉતાર્યો હતો. FIRમાં કહેવાયું કે અપીલકર્તાએ ફરિયાદી પર પથ્થર ફેંક્યા જે તેના વોચમેનને વાગ્યા હતા. ગત નવેમ્બરમાં સ્પેશ્યલ કોર્ટે અપીલકર્તાની આગોતરી જામીન અરજી ફગાવી દીધી હતી, જેથી અપીલકર્તા દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: આત્મહત્યા કરનાર મહંત રાજભારતી બાપુ હતા મુસ્લિમ, અનેક મહિલાઓને બનાવી હતી શિકાર?

કોર્ટે પોતાના નિવેદનમાં શું કહ્યું?
અપીલકર્તા તરફથી દલીલ કરવામાં આવી કે ફરિયાદી મહિલા અને તેના પતિ સામે તેમણે અનેક અરજી કરી પરંતુ પોલીસે કોઈ દખલ દીધી નહીં. તેનો બદલો લેવા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. કોર્ટે નોંધ્યું હતું કે, જાતિવાચક સતામણીની કથિત ઘટનામાં એકસૂરમાં ગાળો આપી હોવાનો ઉલ્લેખ હતો. ગાળમાં જાતિના નામનો ઉલ્લેખ નહોતો. છતાં જો ફરિયાદીનું અપમાન કરવાના ઈરાદે ગાળ આપી હોય તો એકસૂરમાં અપાઈ છે જે માનવામાં ન આવે તેવું કૃત્ય છે. ગાળ એકસૂરમાં આપી શકાય નહીં.

‘ફોનમાં ગાળ આપવી એ જાહેરમાં ગાળ આપવી ન કહેવાય’
વધુમાં આરોપ હતો કે અપીલકર્તાના મકાન માલિકે પણ ફરિયાદી મહિલા અને તેના પતિને ગાળો આપી. આ ગાળો ફોન પર આપી જે જાહેરમાં આપી ગણાય નહીં. પથ્થર મારવામાં આવ્યો ત્યારે ફરિયાદી ક્યાં હતા તે પણ ચોક્કસ જણાવાયું નથી, આથી કાયદાની સંબંધિત કલમ લાગુ થતી નથી.

ઘટનાના 3 મહિના બાદ FIR નોંધાવાઈ હતી
વધુમાં હાઈકોર્ટે નોંધ્યું કે, FIRમાં ક્યાંય જણાવાયું નથી કે આરોપીઓએ ફરિયાદીના શરીરને જાતીય ઈરાદા સાથે સ્પર્શ કર્યો.મહિલા અનુસૂચિત જાતિ કે જનજાતિની છે એ જાણીને તેની સામે જાતીય પ્રકારના શબ્દો વપરાયા હોય, કૃત્ય કે ઈશારો કર્યો હોય એ એટ્રોસિટી એક્ટ લાગુ કરવા માટે જરૂરી છે. આવા કોઈ બનાવનો ઉલ્લેખ FIRમાં નથી. ફરિયાદીએ ભૂતકાળમાં આવી કોઈ ફરિયાદ કરી નથી. છેલ્લી કથિત ઘટનાના ત્રણ મહિના બાદ FIR નોંધી હોવાનું પણ કોર્ટે નોંધ્યું હતું. આવા તારણ સાથે કોર્ટે જામીન નકારવાનું કોઈ કારણ જ નથી તેમ નોંધ્યું હતું.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp