Charan-Ahir Caste Dispute: ગુજરાતમાં આહીર સમાજ અને ચારણ સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તળાજામાં આહિર જ્ઞાતિના સમુહ લગ્નમાં ગીગા ભમ્મર નામના વ્યક્તિ દ્વારા ચારણોની બહેન દિકરીઓ વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરવામાં હતી. જેના કારણે બંને સમાજો વચ્ચે વૈમનસ્વ ફેલાયું હતું. ગીગા ભમ્મરે કરેલી ટિપ્પણી અને ઈન્ડિયા ગઠબંધનને લઈને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે.
ADVERTISEMENT
કોઈની લાગણી ન દુભાય તે જોવું જોઈએઃ શક્તિસિંહ ગોહિલ
ગઢડા તાલુકાના નાના ઉમરડા ગામે ધાર્મિક પ્રસંગમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિએ બોલતા પહેલા કોઈની પણ લાગણી ન દુભાય તે બિલકુલ જોવું જોઈએ. આપણે ત્યાં સમાજો વચ્ચે ભાઈચારો,એકતા અને પ્રેમ છે. જુદા-જુદા વર્ગ, ધર્મ, જ્ઞાતીના લોકો પરીવારની જેમ રહેતા હોય છે. કોઈ પણ સમાજની લાગણીને ઠેસ ન પહોંચે તેની દરેકની જવાબદારી છે અને એ જવાબદારીનું બધા જ વહન કરશે.
"મોવડી મંડળ નક્કી કરશે લોકસભાના ઉમેદવાર"
બોટાદ આપના ધારાસભ્ય દ્વારા લોકસભાના ઉમેદવારોને લઈને અપાયેલા નિવેદનને મામલે શકિતસિંહ ગોહિલે જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતાને કે પછી મને કોઈ ઉમેદવારો નક્કી કરવાની સત્તા નથી. લોકસભાના ઉમેદવારોનો નિર્ણય રાષ્ટ્રીય કક્ષાએથી જ નક્કી થશે. આખરી નિર્ણય મોવડી મંડળ કરશે અને જે નિર્ણય આવશે તે અમને બધાને સ્વીકાર્ય રહેશે.
ગીગા ભમ્મરે શું કહ્યું હતું?
આહીર અગ્રણી દ્વારા ચારણ સમાજ દ્વારા ખોટા ખોટા વખાણ કરીને સમાજને લૂંટી લેતા હોવાનો તથા સમાજમાં તડા પડાવતા હોવાનો દાવો કર્યો હતો. 'ચારણોથી હંમેશા દુર રહેવું નહી તો તમે ભિખારી થઇ જશો' તેવું નિવેદન આપ્યું હતું. ચારણને ઘરે પણ ન ઘુસવા દેવા જોઇએ તેવો દાવો કર્યો હતો. આ ઉપરાંત ચારણોના માતા માં સોનબાઇ માં વિશે પણ વિવાદિત નિવેદન આપ્યું હતું. આહીર સમાજના પુજ્ય દેવાયત બોદલના દિકરાની હત્યા પણ ચારણોએ કરી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. જેના કારણે ચારણ સમાજ અને કલાકારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.
પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી ફરિયાદ
ગઢવી સમાજના તળાજા વિસ્તારના આગેવાનો દ્વારા ગીગા ભમ્મર વિરુદ્ધમાં દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તથા અમદાવાદ સાઈબર ક્રાઈમ દ્વારા પણ ગીગા ભમ્મર વિરુદ્ધ IPC153(ક), 295(અ), 505(૨), તથા IT એક્ટ 67 મુજબ ગુનો દાખલ કરાયો છે. સમગ્ર ગુજરાતમાં ચારણ-ગઢવી સમાજમાં ગીગા ભમ્મર વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો હતો. તો કચ્છ, અમદાવાદ, ભાવનગર, રાણપુર, દાઠા, જામ ખંભાળિયા સહિત અનેક પોલીસ મથકોમાં ગીગા ભમ્મર વિરુદ્ધ અરજીઓ અને ફરિયાદ અપાઈ છે.
ગીગા ભમ્મરના પુત્રએ ચારણ સમાજની માંગી હતી માફી
આ અંગે વિવાદ વધતા ગીગા ભમ્મરના પુત્રએ વીડિયો દ્વારા માફી માંગી હતી. ગીગા ભમ્મરના પુત્ર જીલુ ભમ્મરે વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે, જય દ્વારકાધીશ બે દિવસથી એક આહિર સમાજ પ્રત્યે ચારણ સમાજની લાગણી દુભાણી એવું સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યું છે. હું બધાય ચારણ સમાજને, ગઢવી સમાજને બધાને વિનંતી કરવા માંગું છું, કોઈ ઉંમર લાયક દાદાએ કોઈ વસ્તુ બોલે, જીભ લપસી ગઈ હોય, એનો હેતુ સમાજને કોઈ ઠેસ પહોંચાડવાનો નહોતો, એનો ખાસ હેતુ એવો હતો કે ચારણ સમાજ છે એ મહાશક્તિ છે, એના કોઈએ ચાળા કરવા નહીં, આવું એ બોલેલા છે. કોઈ વ્યક્તિને કે મારા કોઈ ચારણ સમાજને દુ:ખ લાગ્યું હોય તો હું એના વતી માફી માંગુ છું.
(ઈનપુટઃ રઘુવીર મકવાણા, બોટાદ)
ADVERTISEMENT
