અમદાવાદ: ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી ધારી 94 મા નંબરની બેઠક છે. ભાજપના નેતા જે. વી. કાકડિયા આ બેઠક પરથી ધારાસભ્ય છે. કોંગ્રેસે ડૉ. કીર્તિ બોરીસાગરને મેદાને ઉતાર્યા છે. જ્યારે ભાજપે આ ચૂંટણીમાં તેમના સિટિંગ ધારાસભ્યને રિપીટ કર્યા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ પોતાની સીટ પરત મેળવશે કે ભાજપ સત્તા ટકાવી રાખશે. આમ આદમી પાર્ટી મેદાન મારશે કે મત તોડશે તે જોવાનું રહ્યું.
ADVERTISEMENT
ધારી બેઠકનું ગણિત
અમરેલી જિલ્લાની ધારી બેઠક પર પાટીદાર તેમજ કોળી સમાજનું પ્રભુત્વ છે. ધારી બેઠકની જનતાએ 2007માં ભાજપને 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટીને અને 2017માં કોંગ્રેસને વિજેતા બનાવ્યા હતા. 2020ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને વિધાનસભામાં મોકલ્યા હતા. ધારી વિધાનસભાની બેઠકમાં ધારી, બગસરા અને ખાંભા આમ ત્રણ તાલુકાનો સમાવેશ થાય છે. ધારી બેઠક કોઈ પણ પક્ષની બેઠક માની ના શકાય. અહીંની જનતા પક્ષ કરતા વધુ મહત્વ ઉમેદવારને આપે છે.
આ કારણે બેઠક છે ચર્ચામાં
વર્ષ 2021માં વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ્દ પરથી રાજીનામુ આપી દીધું હતું અને ભુપેન્દ્ર પટેલની સરકારમાં ધારીના ધારાસભ્ય જે.વી. કાકડિયાને મંત્રીમંડળમાં સ્થાન આપવાનું નક્કી હતું. છેલ્લી ઘડીએ જે.વી. કાકડીયાનું પત્તુ કાપવામાં આવ્યું હતું. હવે આ બેઠક પર પૂર્વ ધારાભય મનસુખ ભુવા પણ સક્રિય છે અને આ બેઠક પર વર્ષ 2017માં દિલીપ સંઘાણી ચૂંટણી લડી ચુક્યા છે ત્યારે હવે ભાજપ જે.વી. કાકડીયાને રિપીટ કરશે કે નહિ તે ચર્ચામાં છે.
રસપ્રદ વાત
ધારી વિધાનસભા બેઠકનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે. વર્ષ 1962થી ધારી બેઠકનો ચૂંટણીમાં સમાવેશ થયો હતો અને કુલ 13 વખત આ બેઠક પર વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે. આ બેઠક પર માત્ર એક વખત મહિલા ઉમેદવારે દાવ ખેલ્યો હતો, પરંતુ તેમને હાર મળી છે.
વિધાનસભા ક્રમ બદલ્યા
વર્ષ 1962થી ધારી બેઠકમાં 13 વખત ચૂંટણી યોજાઈ છે. શરૂઆતમાં ધારી બેઠક 38-ધારી-કોડીનાર તરીકે ઓળખાતી હતી, જ્યારે વર્ષ 1975માં 46-ધારી વિધાનસભા તરીકે ઓળખાતી હતી. ત્યારબાદ વર્ષ 2012થી ધારી બેઠકને 94-ધારી બેઠકની ઓળખ મળી છે.
મતવિસ્તાર
આ બેઠકમાં ધારી તાલુકો, બગસરા તાલુકો અને ખાંભા તાલુકાના અમુક ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ધારી પાસે ખોડિયાર માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે.
મનુભાઈ કોટડીયા 4 વખત જીત્યા ચૂંટણી
આ બેઠક પર ચાર વખત મનુભાઈ કોટડિયા ધારાસભ્ય બન્યા છે. 1975, 1980, 1985માં તેઓ સળંગ ત્રણ ટર્મ જીત્યા હતા. જેમાં 75માં KLP અને 80 તથા 85માં JNPની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. 1995માં તેઓ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.
મતદાર
ધારી બેઠકમાં કુલ 222987 મતદાર છે જેમાં 116072 પુરુષ મતદારો છે જયારે 106907 સ્ત્રી મતદારો છે. અન્ય 8 મતદારો છે.
જાતિગત સમીકરણ
જ્ઞાતિ પ્રમાણે 79 હજાર પટેલ, 27 હજાર કોળી, 18 હજાર દલિત, 18 હજાર આહીર, 12 હજાર ક્ષત્રિય, 8 હજાર લઘુમતી સમાજના મતદારો છે. આ બેઠક પર પાટીદાર મતદારોનું વર્ચસ્વ છે.પાટીદારો બાદ કોળી સમાજના મતદારો બીજા નંબરે છે. અન્ય મતદારોમાં દલિત સમુદાય, ક્ષત્રિય સમુદાય અને લઘુમતી મતદારોનો સમાવેશ થાય છે.
આ ઉમેદવારો છે મેદાને
- ભાજપ- જે. વી . કાકડિયા
- કોંગ્રેસ- ડૉ. કીર્તિભાઈ બોરીસાગર
- આપ- કાંતિ સતાસીયા
- જનતાદળ સેક્યુલર – પાયલ પટેલ
- રાષ્ટ્રીય હિંદ એકતા દળ- હિતેશભાઈ સોજિત્રા
- અપક્ષ- ઉપેન્દ્રભાઈ વાળા
- રાષ્ટ્રીય પાવર પાર્ટી- સુરેશ પરમાર
- અપક્ષ- ચતુર રુડાણી
- અપક્ષ- ઈમરાન પરમાર
- વયસ્થા પરિવર્તન પાર્ટી- ભૂપત ઉનાવા
- લૉગ પાર્ટી- વિજય ચાવડા
છેલ્લી 3 ચૂંટણીના પરિણામ પર નજર
વર્ષ 2007
વર્ષ 2007માં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપે મનસુખ ભુવાને મેદાને ઉતાર્યા હતા. જયારે કોંગ્રેસે બાલુ તંતીને મેદાને ઉતાર્યા હતા. જેમાં ભાજપના ઉમેદવાર મનસુખ ભુવા વિજેતા થયા હતા.
વર્ષ 2012
વર્ષ 2012માં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી તેમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ભાજપથી નારાજ થઇ અને એક અલગ પાર્ટી તૈયાર કરી અને ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ થયો ગુજરાત પરિવર્તન પાર્ટીને સમગ્ર ગુજરાતમાં કુલ બે જ બેઠક મળી હતી તેમાં જૂનાગઢ જિલ્લાના વિસાવદર પર પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને ધારી બેઠક પર નલિન કોટડીયા વિજેતા થયા હતા. આ બેઠક માથે બાજપે મનસુખ ભુવાને મેદાને ઉતાર્યા હતા. કોંગ્રેસે કોકિલાબેન કાકડીયાને મેદાને ઉતાર્યા હતા. ગુજરાત પરિવર્તન પાર્ટીના નલિન કોટડિયાને ધારીની જનતાએ વિધાનસભામાં મોકલ્યા હતા. જોકે ગુજરાત પરિવર્તન પાર્ટીનું ભાજપમાં વિલીનીકરણ થઇ ગયું હતું.
વર્ષ 2017
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 18 પુરુષ અને 3 મહિલાઓ મળી કુલ 21 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 6 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા હતા જ્યારે 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા 11 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 9 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.
વર્ષ 2017ની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં ભાજપ વિરુદ્ધ વાતાવરણ જોવા મળ્યું હતું. હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાની સમગ્ર ચૂંટણી દરમિયાન ચર્ચામાં રહ્યા હતા. ભાજપ માટે કપરા ચડાણ હતા. છતાં ભાજપ બહુમત મેળવવામાં સફળ રહ્યું હતું. ધારી બેઠકની વાત કરવામાં આવે તો ભાજપે આ બેઠક પર દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીને મેદાને ઉતાર્યા હતા. કોંગ્રેસે જે.વી. કાકડીયાને મેદાને ઉતાર્યા હતા. જેમાં કોંગ્રેસના ઉમેદવાર જે.વી. કાકડિયાનો વિજય થયો હતો.
જોકે જે.વી. કાકડિયાએ વર્ષ 2020માં પક્ષ પલટો કર્યો અને ભાજપમાં જોડાયા. ભાજપે પેટા ચૂંટણીમાં જે.વી. કાકડિયાને ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા અને કોંગ્રેસે સુરેશ કોટડિયાને મેદાને ઉતાર્યા હતા. જેમાં ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયાનો વિજય થયો હતો.
કોનું પલડું રહ્યું ભારે
- 1962 કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પ્રેમજી લેઉઆનો વિજય થયો
- 1967 કોંગ્રેસ પક્ષના ઉમેદવાર રાઘવજી લેઉઆનો વિજય થયો
- 1972- કોંગ્રેસ પક્ષના ઉમેદવાર રાઘવજી લેઉઆનો વિજય થયો
- 1975- કિસાન મજદૂર લોક પક્ષના ઉમેદવાર મનુભાઈ કોટડીયાનો વિજય થયો
- 1980- જનતા પાર્ટીના ઉમેદવાર મનુભાઈ કોટડીયાનો વિજય થયો
- 1985- જનતા પાર્ટીના ઉમેદવાર મનુભાઈ કોટડીયાનો વિજય થયો
- 1990- જનતા દળના ઉમેદવાર વજુભાઈ ધાણકનો વિજય થયો
- 1995- કોંગ્રેસના ઉમેદવાર મનુભાઈ કોટડીયાનો વિજય થયો
- 1998- ભાજપના ઉમેદવાર બાલુભાઈ તંતીનો વિજય થયો
- 2002- ભાજપના ઉમેદવાર બાલુભાઈ તંતીનો વિજય થયો
- 2007- ભાજપના ઉમેદવાર મનસુખ ભૂવાનો વિજય થયો
- 2012- ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર નલિન કોટડીયાનો વિજય થયો
- 2017- કોંગ્રેસના ઉમેદવાર જે.વી.કાકડીયાનો વિજય થયો
- 2020- (પેટાચૂંટણી)માં ભાજપના ઉમેદવાર જે.વી.કાકડીયાનો વીજય થયો
ADVERTISEMENT
