મુંબઈ: ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને ગત 30 ડિસેમ્બરે કાર અકસ્માત થયો હતો. જેમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો. અકસ્માત બાદ પંતની સારવાર પહેલા દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં કરાઈ, બાદમાં તેને મુંબઈના કોકિલાબેન હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો. પંતની પહેલી સર્જરી કોકિલાબેન હોસ્પિટલમાં થોડા દિવસો પહેલા જ થઈ છે. પંતે હવે અકસ્માત બાદ ટ્વીટ કરીને શુભચિંતકોને આભાર માન્યો છે.
ADVERTISEMENT
પંતે બે યુવકોનો આભાર માન્યો
પંતે ટ્વિટરના માધ્યમથી ખાસ કરીને તે બે લોકોનો ઉલ્લેખ કર્યો જેમણે અકસ્માત બાદ તેને હોસ્પિટલ પહોંચવામાં ખૂબ મદદ કરી હતી. પંતે ફોટો શેર કરીને લખ્યું કે, બની શકે કે હું વ્યક્તિગત રૂપથી તમામનો આભાર વ્યક્ત ન કરી શકું. પરંતુ હું આ બે હીરો રજત કુમાર અને નિશુ કુમારનો આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું, જેમણે અકસ્માતમાં મારી મદદ કરી અને હું સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચી શકું તે સુનિશ્ચિત કર્યું. ધન્યવાદ. હું હંમેશા તમારો આભારી અને ઋણી રહીશ.
અગાઉ અન્ય ટ્વીટમાં ફેન્સનો આભાર માન્યો હતો
નોંધનીય છે કે, રિષભ પંતે આ પહેલા બે વધુ ટ્વીટ કર્યા હતા. જેમાં એક ટ્વીટમાં તેણે લખ્યું હતું કે, ‘હું સપોર્ટ અને શુભકામનાઓ માટે ખૂબ જ વિનમ્ર અનુભવી રહ્યો છું. મને આ જણાવતા આનંદ થઈ રહ્યો છે કે મારી સર્જરી સફળ રહી. રિકવરીની શરૂઆત થઈ ચૂકી છે અને હું આગળના પડકારો માટે તૈયાર છું. બીસીસીઆઈ, જય શાહ અને સરકારી ઓથોરિટીનો આભાર.’
બંને યુવકે રિષભ પંતને કરી હતી મદદ
ઉલ્લેખનીય છે કે, રિષભ પંતની કારનો અકસ્માત થયો ત્યારે રજત કુમાર અને નીશુ કુમાર ઘટનાસ્થળે હતા. રિપોર્ટ મુજબ, આ બંનેએ પંતનો બધા સામાન અને કેશ સળગતી કારમાંથી બહાર કાઢ્યો હતો. રજત અને નિશુએ પોલીસને પંતનો સામાન પણ સોંપ્યો હતો. પંતને મળવા માટે બંને મેક્સ હોસ્પિટલ પણ પહોંચ્યા હતા. રજત કુમાર અને નિશુ કુમાર ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરના રહેવાસી છે.
ADVERTISEMENT
