દાહોદ: દાહોદના જિલ્લા પોલીસ વડા અને બંગલે છેલ્લા ચાર મહિનાથી વારંવાર પહોંચીને ધમાલ મચાવતી રાજકોટની યુવતી સામે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રાજકોટથી 400 કિમી દૂર દાહોદમાં SP ઓફિસમાં દંગલ મચાવી યુવતીએ મહિલા કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો. પોલીસ બેડામાં ચર્ચાસ્પદ બનેલા આ મામલે આખરે એ ડિવિઝન પોલીસે રાજકોટની તૃપ્તિ નામની યુવતી સામે હુમલો, ધમકી, સરકારી કર્મચારીના કામમાં રૂકાવટ અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
ADVERTISEMENT
SP કચેરીમાં યુવતીએ કરી હતી બુમાબુમ
દાહોદના SPના અંગત મદદનીશની કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા વૈશાલી બારીયાએ રાજકોટની તૃપ્તિ દેવમુરારી નામની યુવતી સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં ગત ઓક્ટોબરમાં દશેરા આસપાસ રાજકોટની અરજી બાબતે તૃપ્તિ IPS બલરામ મીણાને મળવા આવી હતી. દરમિયાન તૃપ્તિએ ‘સાહેબને મળવા કેમ નથી દેતા’ કેમ કહીને ઓફિસમાં બૂમાબૂમ કરી મૂકી હતી. બાદમાં 10 દિવસ બાદ ફરી તે SP ઓફિસ આવી અને સાહેબ ન મળતા અસભ્ય વર્તન કરી બૂમાબૂમ કરી હતી. આટલું જ નહીં SPના બંગલે અને કચેરીમાં પણ તે આંટાફેરા મારતી હતી.
મહિલા કોન્સ્ટેબલને કરી હતી લોહી લુહાણ
જોકે આ બાદ ગત 22મી ફેબ્રુઆરીએ તૃપ્તિ દાહોદ SP કચેરી પહોંચી અને SP બલરામ મીણાને મળવા તેમના ચેમ્બરમાં ગઈ હતી. જોકે લાંબા સમય બાદ પણ તે બહાર ન આવતા ફરિયાદી વૈશાલી બહેન તેને બહાર કાઢવા ગયા હતા. એવામાં તૃપ્તિએ ‘હજુ મારે રજૂઆત કરવાની બાકી છે. તમે લોકો કેમ વચ્ચે પડો છો?’ તેમ કહીને ઝપાઝપી કરીને અપશબ્દો કહ્યા હતા. બીજા દિવસે ફરી તૃપ્તિ SP કચેરી પહોંચી અને વૈશાલી સાથે ઝઘડો કરીને પોલીસ સામે જ આક્ષેપ કર્યા હતા અને વૈશાલીબેનને નોકરી પરથી કઢાવી દેવાની વાત કરી હતી. દરમિયાન દિવાલ પરની ફોટોફ્રેમ ખેંચીને મારતાનો પ્રયાસ કર્યો. જોકે ઘડિયાળનો કાચ તૂટી ગયો. બાદમાં તૃપ્તિએ કાચના ટુકડાથી વૈશાલીબેન પર હુમલો કરીને તેમને લોહીલુહાણ કરી નાખ્યા હતા. એવામાં SP ઓફિસનો અન્ય સ્ટાફ ત્યાં દોડી આવ્યો હતો. જે બાદ આખરે યુવતી સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
