નર્મદા: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં આ વખતે નવા નવા સમીકરણો જોવા મળી રહ્યા છે. ક્યાંક ભાઈની સામે ભાઈ ચૂંટણી લડી રહ્યો છે, ક્યાંક નણંદ સામે ભાભી પ્રચાર કરી રહ્યા છે. BTPના અધ્યક્ષ મહેશ વસાવાએ પણ પિતા છોટુ વસાવા સામે ઝઘડિયા બેઠક પરથી ચૂંટણી નહીં લડવાનું નક્કી કર્યું છે અને પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે. સાથે જ તેમણે છોટુ વસાવાને સમર્થન આપવાની જાહેરાત કરી છે.
ADVERTISEMENT
ટિકિટને લઈને વસાવા પરિવારમાં હતો કકળાટ
ટિકિટ લઈને વસાવા પરિવારમાં આ વખતે ભારે કકળાટ થયો હતો. મહેશ વસાવાએ છોટુ વસાવાની જ ઝઘડિયા બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. બીજી તરફ છોટુ વસાવાએ પણ ત્યાંથી જ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. એવામાં ચૂંટણી પહેલા જ પિતા-પુત્રમાં તિરાડ પડી હતી. જે પાર્ટી છોટુ વસાવાએ સ્થાપી અને પોતાના દીકરાને તે પાર્ટીને અધ્યક્ષ બનાવ્યા, તે જ પાર્ટીમાંથી તેમની ટિકિટ ન મળી.
7 ટર્મથી ઝઘડિયાના ધારાસભ્ય રહી ચૂક્યા છે છોટુ વસાવા
નોંધનીય છે કે, છેલ્લા 4 દાયકાથી ઝઘડિયા અને છોટુ વસાવાનો નાતો જોડાયેલો છે. ઝઘડિયા બેઠક છોટુ વસાવાની પરંપરાગત બેઠક છે અને તેઓ 7 ટર્મથી અહીં ધારાસભ્ય રહી ચૂક્યા છે. પરંતુ રાજકારણમાં કોઈ કોઈનું સગું નથી હોતું, એવામાં મહેશ વસાવાએ જ પિતાની ટિકિટ કાપી પોતાનું નામ અહીંથી જાહેર કરી દીધું. પરંતુ આખરે મહેશ વસાવાએ પિતાને સમર્થન જાહેર કરીને પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.
(વિથ ઈનપુટ: દિગ્વિજય પાઠક)
ADVERTISEMENT
