ઈન્દ્રનીલ રાજ્યગુરુનો વાઈરલ વીડિયો અંગે ઘટસ્ફોટ, કહ્યું- હું હિંદુ-મુસ્લિમ એકતામાં માનું છું..

રાજકોટઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુની સભાનો એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં તેમણે…

gujarattak
follow google news

રાજકોટઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુની સભાનો એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં તેમણે સોમનાથમાં અલ્લાહ દેખાય છે તથા અજમેરમાં મહાદેવ એવું નિવેદન આપ્યું હતું. જોકે આ અંગે રાજકારણ ગરમાતા હવે તેમણે ખુલાસો આપ્યો છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું છે કે હું હિંદુ અને મુસ્લિમ એકતામાં માનું છું. એટલે આ પ્રમાણેનું નિવેદન આપ્યું છે.

ઈન્દ્રનીલ રાજ્યગુરુનો ઘટસ્ફોટ…
કોંગ્રસના દિગ્ગજ રાજ્યગુરુએ કહ્યું કે અત્યારે મારો જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તે અડધો જ છે. ભાજપ દ્વારા અડધી ક્લિક એડિટ કરીને વાઈરલ કરવામાં આવી રહી છે. હું હિંદુ મુસ્લિમ વચ્ચે એકતા સ્થપાયેલી રહે એમા વિશ્વાસ રાખુ છું. મને મહાદેવ પર પણ સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે. મેં આ સંબોધનમાં એવું કહ્યું હતું કે જો હું અજમેર જઉં છું તો મને મહાદેવના દર્શન થાય છે અને કોઈ મુસ્લિમ સોમનાથમાં આવે છે તો તેને પણ મહાદેવના દર્શન થાય છે.

સભામાં મુસ્લિમોએ હર હર મહાદેવના નારા પણ લગાવ્યા- ઈન્દ્રનીલ
રાજ્યગુરુએ કહ્યું કે આ મારા સંપૂર્ણ નિવેદનને એડિટ કરીને ભાજપ દ્વારા અત્યારે વાઈરલ કરાઈ રહ્યું છે. મોરબી દુર્ઘટનામાં બચાવ દરમિયાન કોઈએ પણ એકબીજાના ધર્મ પૂછ્યા નહોતા. રક્તદાન સમયે પણ લોકો કોઈનો ધર્મ જોતા નથી. મારી વાઈરલ ક્લિપમાં હું અલ્લાહ હુ અકબર બોલું છું તો પાછળ 5 હજાર મુસ્લિમો મહાદેવ હર હરના નારા લગાવી રહ્યા છે.

હું કોમી એકતા સ્થાપિત કરવા માગુ છું- ઈન્દ્રનીલ
મને ઈદના દિવસે ફોન કરીને લોકો હર હર મહાદેવ કહેતા હોય છે. વળી જંગલેશ્વરમાં મારા આગમન પછી કોમી હુલ્લડો અને તોફાનો પણ બંધ થઈ ગયા હોવાનો દાવો પણ ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કર્યો છે. તેમણે વધુમાં કહ્યું કે હું કોમી એકતા સ્થાપિત કરવા માટે કાર્યરત છું. પરંતુ મારી ક્લિપને એડિટ કરીને અલગ રીતે રજૂ કરવામાં આવી રહી છે.

With Input: નિલેશ શિશાંગીયા

    follow whatsapp