હેતાલી શાહ/ખેડાઃ ઉત્તરાયણનો તહેવાર નજીક હોવાથી તંત્ર દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ તથા ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જોકે આમ છતાં પણ બજારમા ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. ગત રોજ વડોદરા અને સુરતમાં ચાઈનીઝ દોરીથી 1-1 વ્યક્તિનાં મોત થયા હતા. જેને લઈને ખેડા જીલ્લાની પોલીસે ચાઈનીઝ દોરીના વેચાણ પરના પ્રતિબંધનો અમલ કરાવવા કામગીરી શરૂ કરી દીધી હતી. આ અંતર્ગત કપડવંજ પોલીસે ચાઈનીઝ દોરી સાથે 4 લોકોને ઝડપી પાડ્યા છે.
ADVERTISEMENT
પોલીસે આરોપીઓને દબોચી લીધા
કપડવંજ પોલીસને બાતમી મળી હતી કે નવા બસ સ્ટેશન સામે એક ઇસમ ચાઇનીઝ દોરી વેચી રહ્યો છે. આના આધારે સર્વેલન્સના પોલીસે માણસો સાથે દરોડા પાડ્યા હતા. આ ઓપરેશનમાં આરોપી સમીર મલેક તથા મોહમ્મદઅલી બિસ્મીલ્લાખાન પઠાણને ચાઇનીઝ દોરીના 29 નંગના મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યા છે.
કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ
આ ઉપરાંત કપડવંજ-દાણા-કઠલાલ બાયપાસ રોડ પર ઇકો ગાડીમાં ચાઇનીઝ દોરી લઇને આવતા આરોપીઓ મોહમ્મદ સાહીલ ઉર્ફે સોહીલ શેખ તથા ઇલિયાસમીયા મલેકને ચાઇનીઝ દોરીના અલગ અલગ કલરના 48 નંગ ફિરકી સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આની સાથે તેમની ઇકો ગાડી મળીને કુલ 1 લાખ 64 હજાર કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી દેવાયો છે. અત્યારે જાહેરનામા ભંગની કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
