LSG vs GT: મોહિત શર્માએ પલટી નાખી હારેલી બાજી, ગુજરાત ટાઈટન્સે રોમાંચક મેચમાં લખનૌને 7 રને હરાવ્યું

લખનૌ: IPL 2023ની એક મહત્વપૂર્ણ મેચમાં ગુજરાત ટાઇટન્સે લખનૌ સુપર જાયન્ટ્સને સાત રનથી હરાવ્યું હતું. 22 એપ્રિલે ઈકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં લખનૌને જીતવા માટે 136…

gujarattak
follow google news

લખનૌ: IPL 2023ની એક મહત્વપૂર્ણ મેચમાં ગુજરાત ટાઇટન્સે લખનૌ સુપર જાયન્ટ્સને સાત રનથી હરાવ્યું હતું. 22 એપ્રિલે ઈકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં લખનૌને જીતવા માટે 136 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ તે સાત વિકેટે 128 રન જ બનાવી શકી હતી. ગુજરાતની જીતનો હીરો મોહિત શર્મા રહ્યો હતો જેણે છેલ્લી ઓવરમાં 12 રન ન બનવા દીધા.

લક્ષ્યનો પીછો કરતા લખનૌએ શાનદાર શરૂઆત કરી અને કેએલ રાહુલે પ્રથમ વિકેટ માટે કાયલ મેયર્સ સાથે 55 રનની ભાગીદારી કરી. રાહુલે ઇનિંગની પહેલી ઓવર મેડન રમી હતી, પરંતુ તે પછી તે પૂરા રંગમાં જોવા મળ્યો હતો. રશીદ ખાને કાયલ મેયર્સને બોલ્ડ કરીને ગુજરાતને પ્રથમ સફળતા અપાવી હતી. મેયર્સે 19 બોલમાં 24 રન બનાવ્યા જેમાં બે ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.

આ પછી ગુજરાતને મેચમાં કમબેક કરવા માટે સતત વિકેટની જરૂર હતી, પરંતુ આ શક્ય બન્યું ન હતું. કૃણાલ પંડ્યા અને કેએલ રાહુલે બીજી વિકેટ માટે 51 રન પાર્ટનરશીપ કરીને લખનૌને જીતની નજીક પહોંચાડ્યું હતું. નૂર અહેમદના બોલ પર આઉટ થયેલા કૃણાલે 23 બોલનો સામનો કરીને એટલા જ રન બનાવ્યા જેમાં બે ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. કૃણાલના આઉટ થયા બાદ નિકોલસ પૂરન પણ નૂર અહેમદનો શિકાર બન્યો હતો. એવું લાગતું હતું કે મેચ બે ઓવર વહેલા ખતમ થઈ જશે, પરંતુ ગુજરાતના બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને છેલ્લી ઓવરમાં મેચને લાવી દીધી હતી.

સાહાએ રમી વિસ્ફોટક ઈનિંગ્સ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરનારી ગુજરાત ટાઇટન્સની શરૂઆત સારી રહી ન હતી અને બીજી ઓવરમાં જ ફોર્મમાં રહેલા શુભમન ગિલની વિકેટ ગુમાવી દીધી હતી, જે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. ગિલ સ્પિનર ​​કૃણાલ પંડ્યાના બોલ પર કેચ આઉટ થયો. તેના સ્થાને આવેલા હાર્દિકે પણ શરૂઆતમાં રન બનાવવા માટે સંઘર્ષ કર્યો હતો, પરંતુ બીજા છેડે સાહાએ કેટલાક આકર્ષક ચોગ્ગા ફટકાર્યા હતા, જેના કારણે ગુજરાતની ટીમ પાવરપ્લેમાં 40 રન બનાવી શકી હતી.

18મા બોલનો સામનો કરતા હાર્દિકે પ્રથમ ચોગ્ગો ફટકાર્યો અને પછી લેગ-સ્પિનર ​​રવિ બિશ્નોઈની એ જ ઓવરમાં પણ ઈનિંગની પ્રથમ છગ્ગો ફટકાર્યો. પરંતુ સાહા પોતાની અડધી સદી પૂરી કરી શક્યો નહોતો. તેણે કૃણાલના બીજા સ્પેલમાં લોંગ ઓન પર સીધો કેચ આઉટ થયો હતો. સાહાએ 37 બોલમાં 47 રન બનાવ્યા જેમાં છ ચોગ્ગા સામેલ હતા. સાહા અને હાર્દિકે બીજી વિકેટ માટે 55 બોલમાં 68 રન જોડ્યા હતા.

ગુજરાતની ટીમ રન બનાવવા માટે સંઘર્ષ કરી રહી હતી ત્યારે લેગ સ્પિનર ​​અમિત મિશ્રાએ અભિનવ મનોહર (3) આવતાની સાથે જ પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. મધ્યમ ઝડપી બોલર નવીન-ઉલ-હકે (19 રનમાં 1 વિકેટ) અનુભવી વિજય શંકર (10)ને બોલ્ડ કર્યો હતો.

આ પછી, હાર્દિકે બિશ્નોઈની ઓવરમાં ચોગ્ગો અને બે છગ્ગા ફટકાર્યા. આ સિક્સરમાંથી પહેલા તેણે 44 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. હાર્દિક ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં સ્ટોઇનિસના હાથે કેચ આઉટ થયો હતો. હાર્દિક પંડ્યાએ 50 બોલમાં 66 રનની ઇનિંગ રમી જેમાં બે ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. હાર્દિકની ઇનિંગના કારણે ગુજરાતની ટીમ છ વિકેટે 135 રન બનાવી શકી હતી. લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી કૃણાલ પંડ્યા અને માર્કસ સ્ટોઇનિસે બે-બે વિકેટ લીધી હતી.

    follow whatsapp