ગૌતમ જોશી/અમદાવાદઃ દાયકાઓ બાદ ગુજરાતના રાજકારણમાં આ વખતે ધાર્મિક અને જાતિવાદી મુદ્દાઓ સિવાય શિક્ષણ સ્વાસ્થ્ય વીજળી રોજગારી સહિતના મુદ્દાઓની ચર્ચા થઈ રહી હતી. પરંતુ હવે ચૂંટણીના આ જંગમાં અર્બન નક્સલવાદ ગુજરાત વિરોધી તત્વો સહિતના મુદ્દાઓની પણ એન્ટ્રી થઈ ચૂકી છે. ભાજપના નેતાઓ સતત પ્રહારો કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટી પાછલા બારણેથી ગુજરાત વિરોધી તત્વોને ગુજરાતમાં એન્ટર કરાવવા માંગે છે અને જેમાં નામ લેવાય રહ્યું છે મેધા પાટકરનું… ચલો આપણે અર્બન નક્સવાદનો મુદ્દો કેમ ઉછળ્યો છે એના પર નજર કરીએ….
ADVERTISEMENT
ભાજપ સ્ફુર્તિથી એક્ટિવ થઈ…
અને આની પાછળનું કારણ આમ આદમી પાર્ટી છે. વર્ષ 2021માં ગુજરાતમાં થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા આમ આદમી પાર્ટીને કોઈપણ ગંભીરતાથી નહોતું લેતું. પરંતુ છેલ્લા એક વર્ષના સમયગાળામાં આમ આદમી પાર્ટીએ આક્રમકતાથી ગુજરાતમાં પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. વળી આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીની સરકારની જે નિષ્ફળતાઓ રહી છે તે મુદ્દાઓને લઈને જ આમ આદમી પાર્ટી સતત આગળ વધી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ આમ આદમી પાર્ટીની રણનીતિ સામે ઘેરાઈ ગઈ અને આખરે ભારતીય જનતા પાર્ટીએ હવે આમ આદમી પાર્ટીની નીતિને લઈને સવાલો ઉઠાવ્યા છે.
પાછલા બારણેથી એન્ટ્રીની રાજનીતિ શું છે…
ભાજપના નેતાઓ સતત પ્રહારો કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટી પાછલા બારણેથી ગુજરાત વિરોધી તત્વોને ગુજરાતમાં એન્ટર કરાવવા માંગે છે. જેમાં નામ લેવાય રહ્યું છે મેધા પાટકરનું…આ એ જ મેધા પાટકર છે જેમણે નર્મદા બચાવો સમિતિની રચના કરી હતી. નર્મદા યોજનાને લઈને તેઓએ આંદોલન પણ કર્યા હતા અને ભારતીય જનતા પાર્ટીની સરકારનો આરોપ છે કે મેધા પાટકર ગુજરાત વિરોધી છે. તેઓ નર્મદા યોજનાને રોકવા માંગતા હતા. ગુજરાતના વિકાસને રોકવા માંગતા હતા અને તેઓ ગુજરાત વિરોધી છે. તેવામા હવે આવા વ્યક્તિને આ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાના પક્ષમાંથી મુખ્યમંત્રી બનાવવાના પ્રયત્નો અંદરખાને કરી રહી છે.
AAPએ કઈ વાતનું ખંડન કર્યું…
હવે તમારા મનમાં સવાલો એ થતા હશે કે મેધા પાટકરને ભાજપ આમ આદમી પાર્ટી સાથે કેમ જોડી રહી છે. તો મેધા પાટકર 2014માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા હતા. પરંતુ ત્યારપછી તેઓ પક્ષમાં ન રહ્યા અને તાજેતરમાં ભાજપ દ્વારા જે આરોપો લાગી રહ્યા હતા, તેને લઈને પણ મેધા પાટકરે પોતે ઘટસ્ફોટ કર્યો કે આવી કોઈ પણ પ્રકારની વાતચીત નથી ચાલી રહી અને આ તદ્દન ભ્રામક પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વધુમાં હવે આમ આદમી પાર્ટીએ પણ ભાજપના આ દાવાઓનું ખંડન કરી દીધું છે.
ભાજપનો રાજકીય રીતે ઘેરવાનો પ્લાન ફ્લોપ..
આમ રાજકીય રીતે આમ આદમી પાર્ટીને ઘેરવા માટે ભાજપનો જે આ પ્લાન હતો, તે હવે નિષ્ફળતા તરફ જઈ રહ્યો હતો. પરંતુ બુધવારે આમ આદમી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી દીધી છે. ત્યારપછી ભારતીય જનતા પાર્ટી ફરી આ મુદ્દાને લઈને એક્ટિવ મોડમાં આવી ગઈ છે. કારણ કે આ ત્રીજી યાદીમાં નાંદોદ બેઠક પરથી પ્રફુલ વસાવાને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
પ્રફુલ વસાવા આદિવાસી સમાજના નેતા છે તાજેતરમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને કેવડિયા બચાવો આંદોલન સમિતિના નેતા પણ તેઓ રહી ચૂક્યા છે. કેવડિયા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી તેઓએ વિવિધ આંદોલનો પણ કર્યા છે.
ભારતીય જનતા પાર્ટીનો આક્ષેપ છે કે પ્રફુલ વસાવા મેઘા પાટકરના જુના સાથી છે અને સમગ્ર બાબતને લઈને એક ટ્વીટ પણ કર્યું હતું. જેમાં ભાજપના નેતા ઝૂબિન આશરાએ જણાવ્યું હતું કે મેધા પાટકરનું એક માત્ર લક્ષ્યાંક હતું કે ગુજરાતની જનતા અને ખેડૂતો સુધી નર્મદાનું પાણી ન પહોંચે. ગુજરાત હમેશા પછાત રહે એજ મેધા પાટકરને કેજરીવાલ ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા માંગે છે અને આજે એમના જ એક જૂના સાથીને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે. ગુજરાતથી આટલી નફરત કેમ છે કેજરીવાલજી? ત્યારપછી રાજકીય મુદ્દો વધુ ગરમાયો હતો.
આમ ભાજપ મેઘા પાટકરના મુદ્દે સતત આમ આદમી પાર્ટીને ઘેરી રહ્યું છે. આ દરમિયાન ગુજરાત તક સાથેની ખાસ વાતચીતમાં પ્રફુલ વસાવાએ જણાવ્યું કે મેં અત્યારસુધી ક્યારેય મેઘા પાટકર સાથે કામ કર્યું નથી. વળી 1990માં જ્યારે આંદોલન થયું હતું ત્યારે મારી ઉંમર પાંચથી 7 વર્ષની જ હશે તેવામાં હું કેવી રીતે આ આંદોલનમાં જોડાઈ શકું. વળી અત્યારે જૂના સાથી તરીકે ભાજપ મને સંબોધી રહી છે એને કેવી રીતે તેઓ સાબિત કરશે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
ADVERTISEMENT
