Panchmahal News: પંચમહાલ જિલ્લાના ગોધરામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં તળાવમાં પૂજાનો સામાન પધરાવતી વખતે તળાવમાં ડૂબી જતાં પિતા-પુત્રીના મોત નિપજ્યાં છે. હાલ પિતા-પુત્રીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો પિતા-પુત્રીનું મોત નિપજતા ગામ શોકમગ્ન બન્યું છે.
ADVERTISEMENT
પગ લપસતા તળાવમાં ડૂબી યુવતી
મળતી માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ભામૈયા પશ્ચિમ ગામમાં આવેલા તળાવમાં પૂજાનો સામાન પધરાવવતી વખતે પગ લપસતાં યુવતીનો તળાવના પાણીમાં ગરકાવ થયો હતો. આ દરમિયાન પોતાની લાડકવાયીને બચાવવા માટે પિતાએ તળાવમાં છલાંગ લગાવી હતી. આ દરમિયાન તેઓ પણ પાણીમાં ડૂબી ગયા હતા.

દીકરીને બચાવવા પિતા પણ પાણીમાં કૂદ્યા
આ અંગેની જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનોના ટોળે ટોળા તળાવ ખાતે દોડી આવ્યા હતા. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ સ્થાનિક તરવૈયાઓની મદદથી પિતા-પુત્રીના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
ગામમાં છવાયો શોકનો માહોલ
જે બાદ પિતા-પુત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. હાલ સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. તો પિતા અને પુત્રીના મોતને પગલે ગામમાં શોકનો માહોલ છવાયો છે.
(ઈનપુટઃ જયેન્દ્ર ભોઈ, પંચમહાલ)
ADVERTISEMENT
