લો બોલો! હવે છેક સચિવાલય સુધી પહોંચ્યા ચોર, કેબિનેટ મંત્રીની ઓફિસ બહારથી ચોરાયો ફોન

Gandhinagar News: ગુજરાતના પાટનગરમાં આવેલું સચિવાલય સ્વર્ણિમ સંકુલ પણ હવે સુરક્ષિત ન હોવાનું સામે આવ્યું છે. કારણ કે ચોરો હવે સ્વર્ણિમ સંકુલમાં આવેલી મંત્રીઓની ઓફિસ…

gujarattak
follow google news

Gandhinagar News: ગુજરાતના પાટનગરમાં આવેલું સચિવાલય સ્વર્ણિમ સંકુલ પણ હવે સુરક્ષિત ન હોવાનું સામે આવ્યું છે. કારણ કે ચોરો હવે સ્વર્ણિમ સંકુલમાં આવેલી મંત્રીઓની ઓફિસ સુધી પહોંચી ગયા છે. હકીકતમાં સ્વર્ણિમ સંકુલમાં કેબિનેટ મંત્રીની ઓફિસની બહાર લગાવવામાં આવેલા બોક્સમાંથી મોબાઈલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. આ મોબાઈલ ચોરીની ફરિયાદ સેક્ટર 7 પોલીસ મથકમાં નોંધાઈ છે.

સચિવાલયમાંથી મોબાઈલની ચોરી

મળતી માહિતી અનુસાર, ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં આવેલી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા (Kunvarji Bavaliy)ની ચેમ્બરની બહાર લગાવેલા બોક્સમાંથી મોબાઈલની ચોરી થઈ હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

કુંવરજી બાવળિયાને મળવા પહોચ્યા હતા વેપારી

ગત 18મી ડિસેમ્બરના રોજ કુડાસણના અક્ષર બંગ્લોઝમાં રહેતા અને ખેતીવાડીના બિયરણના વેચાણનો ધંધો કરતા હમીરભાઈ વરુ (ઉં.વ 55) કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને મળવા માટે ગાંધીનગર સચિવાલય સ્વર્ણિમ સંકુલ 1માં આવેલી તેમની ઓફિસ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પોતાના મોબાઈલને નિયમ મુજબ કુંવરજી બાવળિયાની ઓફિસની બહાર લગાવવામાં આવેલા બોક્સમાં મુક્યો હતો.

સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

જ્યારે તેઓ કુંવરજી બાવળિયા સાથે મુલાકાત કરીને ઓફિસમાંથી બહાર નિકળ્યા ત્યારે જોયું તો બોક્સમાં મુકેલો ફોન ગાયબ હતો. જેથી તેઓએ સ્વર્ણિમ સંકુલના કર્મચારીઓને આ અંગેની જાણ કરી હતી. જે બાદ તેઓએ ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં 28 હજારના મોબાઈલની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી.

(વિથ ઈનપુટઃ દુર્ગેશ મહેતા)

    follow whatsapp