BJP Convention: દિલ્હીના ભારત મંડપમમાં ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન આજે (18 ફેબ્રુઆરી 2024) સમાપ્ત થયું. આ અધિવેશન બે દિવસ સુધી ચાલ્યું. અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)ના સંબોધનનની સાથે આ સંમેલન સમાપ્ત થઈ ગયું છે. આ અધિવેશન (સંમેલન)માં દેશભરમાંથી હજારો કાર્યકર્તાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પીએમ મોદીએ કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું હતું કે ભાજપના કાર્યકર્તા વર્ષના દરરોજ દેશની સેવા માટે કંઈકને કંઈક કરતા જ રહે છે. પરંતુ હવે આગામી 100 દિવસ નવી ઉર્જા, નવા ઉમંગ, નવા ઉત્સાહ, નવા વિશ્વાસ, નવા જોશની સાથે કામ કરવાનું છે. પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત જૈન મુનિ વિદ્યાસાગરને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરી હતી.
ADVERTISEMENT
'હું થોડા દિવસ અગાઉ જ મળવા પહોંચ્યો હતો'
તેમણે કહ્યું કે, આ મારા માટે વ્યક્તિગત ક્ષતિની જેમ છે. હું તેમને ઘણીવાર મળી ચૂક્યો છું. હજુ થોડા મહિના પહેલા જ હું વહેલી સવારે તેમને મળવા માટે પહોંચ્યો હતો. ત્યારે મને ખબર નહોતી કે હું હવે ક્યારેય તેમને નહીં જોઈ શકું. આજે હું તમામ દેશવાસીઓ વતી સંત શિરોમણી આચાર્ય શ્રી 108 પૂજ્ય વિદ્યાસાગરજી મહારાજને શ્રદ્ધાપૂર્વક અને આદરપૂર્વક નમન કરતા શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
વિપક્ષ પણ કહે છે કે NDA 400ને પાર: PM
પોતાના ભાષણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે વિપક્ષના નેતાઓ પણ 'NDA સરકાર 400ને પાર'ના નારા લગાવી રહ્યા છે. એનડીએને 400 પાર કરાવવા માટે ભાજપે 370નો માઈલસ્ટોન પાર કરવો પડશે. આપણે સમાજના દરેક વર્ગ અને દરેક સંપ્રદાયના લોકોનો વિશ્વાસ મેળવવો પડશે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે અમે રાજનીતિ માટે નહીં પરંતુ રાષ્ટ્રીય નીતિ માટે નીકળ્યા છીએ. જે લોકોને ક્યારેય કોઈએ પૂછ્યું જ નથી, અમે તેઓને માત્ર પૂછ્યું જ નથી, તેમની પૂજા પણ કરી છે.
'10 વર્ષમાં અમે લીધા મોટા-મોટા નિર્ણયો'
PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, છેલ્લા 10 વર્ષ સાહસિક નિર્ણયો અને મોટા નિર્ણયોથી ભરેલા રહ્યા. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર મંદિર બનાવીને અમે 5 સદીઓથી જોવાતી રાહનો અંત લાવ્યો છે. 7 દાયકા બાદ દેશને કલમ 370માંથી મુક્તિ મળી છે. 4 દાયકા પછી વન રેન્ક, વન પેન્શનની માંગ પૂરી થઈ છે. 3 દાયકા બાદ દેશને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મળી છે. 3 દાયકા બાદ મહિલાઓને લોકસભા અને રાજ્યસભામાં અનામત મળી છે.
ત્રીજા કાર્યકાળ માટે લીધો આ સંકલ્પ
પીએમ મોદીએ કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે, વિપક્ષી પાર્ટીઓ ભલે યોજનાઓ કેવી રીતે પૂર્ણ કરવી એ ન જાણતી હોય, પરંતુ ખોટા વાયદાઓ આપવામાં તેમનો કોઈ જવાબ નથી. અમારું વચન વિકસિત ભારતનું છે. આ લોકોએ સ્વીકારી લીધું છે કે તેઓ ભારતને વિકસિત નહીં બનાવી શકે, ભાજપ એકમાત્ર એવી પાર્ટી છે જેણે આનું સપનું જોયું છે. અમે ત્રીજી ટર્મમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનાવવાનો સંકલ્પ લીધો છે. આ મોદીની ગેરંટી છે.
ADVERTISEMENT
