અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે તમામ પાર્ટીઓએ ઉમેદવારો જાહેર કરી રહી છે. પહેલા તબક્કાના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે બીજા તબક્કા માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. જોકે અત્યાર સુધીમાં ભાજપે, કોંગ્રેસ અને AAPએ અત્યાર સુધીમાં જાહેર કરેલા ઉમેદવારો ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ત્યારે ત્રણેય પાર્ટીઓ પાસે સૌથી વધુ સંપત્તિ ધરાવતા ઉમેદવારો કોણ છે તેના પર એક નજર કરીએ…
ADVERTISEMENT
ભાજપ
ભાજપના સૌથી અમીર ઉમેદવાર પાટણ જિલ્લાની સિદ્ધપુર બેઠકથી ચૂંટણી લડતા બળવંતસિંહ રાજપુત છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બળવંતસિંહ રાજપૂતે ઉમેદવારી દરમિયાન રજૂ કરેલા એફિડેવિટ મુજબ, તેમની પાસે 372 કરોડની સંપત્તિ છે, જેમાં 266 કરોડની જંગમ મિલકત છે જ્યારે 106 કરોડની સ્થાવર મિકલત છે. જોકે તેમની પાસે એકપણ વાહન ન હોવાનું એફિડેવિટમાં દર્શાવાયું છે. હાલમાં તેમની વાર્ષિક આવક 3.73 કરોડ છે, જ્યારે તેમના પત્ની ભીખીબેનની વાર્ષિક આવક 70.74 લાખ રૂપિયા છે.
કોંગ્રેસ
AAPમાંથી ફરી કોંગ્રેસમાં જોડાયેલા રાજકોટ પૂર્વ બેઠકથી ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુ પાસે રૂ.200 કરોડની સંપત્તિ છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ તેમના એફિડેવિટમાં દર્શાવ્યા મુજબ, તેમની પાસે 5.79 લાખ રોકડા છે અને 2.42 કરોડના વાહનો અને 34 લાખનું સોનું છે અને 48 કરોડથી વધુના મકાનો છે. વર્ષ 2017માં ઈન્દ્રનીલ રાજ્યગુરુએ 141 કરોડની સંપત્તિ દર્શાવી હતી આમ 5 વર્ષમાં તેમની સંપત્તિમાં 59 કરોડનો વધારો થયો છે.
આમ આદમી પાર્ટી
ગુજરાતમાં વડોદરા જિલ્લાની ડભોઈ બેઠક પરથી ચૂંટણી લડનારા AAPના ઉમેદવાર અરજીતસિંહ ઠાકોરે ગઈકાલે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. જે મુજબ તેમની પાસે 343 કરોડની સંપત્તિ છે. જેમાં તેમની પાસે 201 કરોડની સ્થાવર સંપત્તિ છે જ્યારે તેમની પત્ની પાસે 141 કરોડની સ્થાવર સંપત્તિ છે.
ADVERTISEMENT
