BCCI Gift To Players: ભારતે ધર્મશાળા ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને ચાર વખત હરાવ્યું છે. ભારતે ધર્મશાળા ટેસ્ટમાં ઈંગ્લિશ ટીમને મ્હાત આપીને માત્ર ધર્મશાળા ટેસ્ટને પોતાના નામે નથી કરી, પરંતુ આ સિરીઝને પણ 4-1થી પોતાના નામે કરી લીધી છે. જેનાથી ભારતના કરોડો ફેન્સ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. આ સિવાય ટીમના કોચથી લઈને BCCI સુધી બધા જ ખુશ છે. ભારતની ઐતિહાસિક જીત બાદ બીસીસીઆઈ સચિવ જય શાહે ભારતીય ટીમના ખેલાડીઓ માટે મોટી જાહેરાત કરી દીધી છે. BCCI દ્વારા જીતની ભેટ આપવામાં આવી છે.
ADVERTISEMENT
BCCI સચિવ જય શાહે કરી જાહેરાત
બીસીસીઆઈ સચિવ જય શાહે ભારતીય ટેસ્ટ ક્રિકેટરો માટે એક મોટું એલાન કર્યું છે. જય શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વીટર) પર લખ્યું કે, મને પુરુષ ટેસ્ટ ટીમના ખેલાડીઓ માટે 'ટેસ્ટ ક્રિકેટ પ્રોત્સાહન યોજના (ટેસ્ટ ક્રિકેટ ઈન્સેન્ટિવ સ્કીમ)' શરૂ કરવાની જાહેરાત કરતા આનંદ થઈ રહ્યો છે, જેનો ઉદ્દેશ આપણા ખેલાડીઓને નાણાકીય વિકાસ અને સ્થિરતા પ્રદાન કરવાનો છે. 2022-23ની સિઝનથી 'ટેસ્ટ ક્રિકેટ ઈન્સેન્ટિવ સ્કીમ' માન્ય થશે અને આ ટેસ્ટ મેચો માટે 15 લાખ રૂપિયાની વર્તમાન મેચ ફી ઉપરાંત વધારાના આર્થિક લાભો પણ મળશે.
કોને મળશે કેટલા પૈસા?
ભારતીય ખેલાડીઓને હાલમાં એક ટેસ્ટ મેચ માટે 15 લાખ રૂપિયાની ફી મળે છે, પરંતુ હવે તેમને ઈન્સેન્ટિવ પણ મળશે. જોકે, આ માટે બીસીસીઆઈ તરફથી શરત પણ રાખવામાં આવી છે. જો કોઈ ભારતીય ખેલાડી એક સિઝનમાં 75 ટકાથી વધુ (7 કે તેનાથી વધારે) ટેસ્ટ મેચ રમે છે તો તેમને ઈન્સેન્ટિવ તરીકે 45 લાખ રુપિયા પ્રતિ મેચ મળશે, જ્યારે જે પ્લેયર પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહીં હોય તેમને મેચ દીઠ ફી ઉપરાંત 22.5 લાખ વધારાના મળશે. આ સાથે જે ખેલાડી સિઝનમાં 50 ટકા એટલે કે લગભગ 5 કે 6 મેચ રમે છે તેને મેચ દીઠ ફી ઉપરાંત 30 લાખ રૂપિયા વધારાના મળશે અને પ્લેઇંગ ઈલેવનમાંથી બહાર રહેનાર ખેલાડીને મેચ દીઠ ફી ઉપરાંત 15 લાખ રૂપિયા વધારાના મળશે. જો કોઈ ખેલાડી 50 ટકાથી ઓછી મેચો રમે છે તો તેને કોઈ ઈન્સેન્ટિવ મળશે નહીં. માત્ર મેચ દીઠ ફી 15 લાખ રૂપિયા મળશે.
BCCIએ બહાર પાડ્યું લિસ્ટ
તાજેતરમાં જ BCCI દ્વારા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું હતું. ખાસ વાત એ હતી કે શ્રેયસ અય્યર અને ઈશાન કિશન તેમાં સ્થાન મેળવી શક્યા ન હતા. બંને ખેલાડીઓને ડોમેસ્ટિક ક્રિકેટ ન રમવા બદલ સજા કરવામાં આવી છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ઈશાને માનસિક થાકને કારણે પ્રવાસમાંથી હટી જવાનો નિર્ણય લીધો હતો. બીજી તરફ શ્રેયસે પીઠની ઈજાને કારણે રણજી ટ્રોફીથી અંતર જાળવી રાખ્યું હતું. જોકે, બાદમાં શ્રેયસ મુંબઈ માટે રણજી રમવા ઉતર્યા.
ADVERTISEMENT
