મહેસાણા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષો પૂરજોશમાં પ્રચારમાં લાગી ગયા છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં પ્રચારમાં છે. ત્યારે આજે તેમણે ઉત્તર ગુજરાતમાં મહેસાણાના ખેરાલુમાં જનસભાને સંબોધી હતી. જેમાં તેમણે ફરી એકવાર કોંગ્રેસ પર ચાબખા માર્યા હતા અને 2002ના તોફાનનો ઉલ્લેખ કર્યો હતો.
ADVERTISEMENT
‘ભાજપ સરકાર ન હોત તો ઉ.ગુજરાતમાં આજે રણમાં બદલાઈ ગયું હોત’
અમિત શાહે કહ્યું કે, ગુજરાતે કોંગ્રેસ અને ભાજપ બંનેનું રાજ જાયું છે. આઝાદીથી 1990 સુધી કોંગ્રેસનું રાજ જોયું છે અને 1995થી ભાજપનું રાજ જોયું છે. કોંગ્રેસના રાજમાં ઉત્તર ગુજરાતનો 40 ટકા ભાગ ડાર્ક ઝોનમાં હતો, કૂવો ખોદવાની પણ મંજૂરી નહોતી મળતી. ઉત્તર ગુજરાતે પરિવર્તન ન કર્યું હોય, ભાજપની સરકાર ન આવી હોત તો સમગ્ર ઉ.ગુજરાત રણમાં બદલાઈ ગયું હોત.
નર્મદા ડેમ મુદ્દે ફરી કોંગ્રેસ પર પ્રહાર
આ સાથે જ તેમણે નર્મદા યોજના મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને તેમની સરકારમાં ગુજરાત સાથે અન્યાય કરાતો હોવાનું કહ્યું હતું. સાથે જ તેમણે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જોડાયેલા મેધા પાટકર મુદ્દે પણ નિસાન સાધ્યું હતું. તેમણે કહ્યું, રાહુલ ગાંધી ચૂંટણી ટાણે મેધા પાટકરને લઈ આપણા ઘા પર મીઠું ભભરાવવા નીકળ્યા છે.
કોમી રમખાણનો મુદ્દો ઉછાળ્યો
તેમણે કહ્યું, સમગ્ર ગુજરાતમાં કોમી રમખાણથી પીંખી નાખવાનું કામ કોંગ્રેસ કર્યું છે. છાસવારે કોમી તોફાનો થતા કર્ફ્યૂ થતો, ઉદ્યોગો-વેપાર નવા આવે નહીં તેવું વાતાવરણ ઊભું કર્યું હતું. તેમની વોટબેંક કોણ છે તમને ખબર છે ને ભાઈ? આ વોટબેંકના રાજકારણના લીધે તેમણે ગુજરાતને પીંખી નાખ્યું. 2002માં ફરી અટકચાળો કર્યો, નરેન્દ્રભાઈએ રમખાણ કરાવનારાઓને એવો પાઠ ભણવ્યો કે 2022 સુધી ક્યાંય કર્ફ્યૂ નથી લાગ્યો. કોમી રમખાણો કરાવનારા લોકોને નરેન્દ્રભાઈએ ખોળ ભૂલાવી દીધી, આજે ચુપચાપ થઈને ઘરમાં બેસી રહે છે. ગુજરાતમાં કોઈની કોમી રમખાણ કરવાની હિંમત નથી.
રોડ રસ્તા વિશે શું કહ્યું?
તેમણે કહ્યું કે, રોડ વિશે કહ્યું, હું હેલિપેડથી 18 કિલોમીટર આવ્યો. ખબર જ ન પડે કે આ વડનગર-ખેરાલુનો રોડ છે. પાણીના રેલાની જેમ આપણી ગાડી નીકળી જાય. પેટનું પાણી પણ ન હલે એવા રોડ સમગ્ર ગુજરાતમાં બનાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. બંદરો ધમધમતા થઈ ગયા. બધા જ તીર્થ સ્થાનો સુધી રોડ થઈ ગયા.
ADVERTISEMENT
