ગુજરાત આપ રાજકીય સફર શરૂ કરવાની પાઠશાળા છે? વધારે એક જિલ્લામાં પડ્યું ગાબડું

હેતાલી શાહ/ખેડા : જિલ્લામાં આમ આદમી પાર્ટીની હાલત એક સાંધતા તેર તૂટે તેવી જોવા મળી રહી છે. ખેડા જીલ્લો કોંગ્રેસ અને ભાજપનો ગઢ છે. આમ…

gujarattak
follow google news

હેતાલી શાહ/ખેડા : જિલ્લામાં આમ આદમી પાર્ટીની હાલત એક સાંધતા તેર તૂટે તેવી જોવા મળી રહી છે. ખેડા જીલ્લો કોંગ્રેસ અને ભાજપનો ગઢ છે. આમ આદમી પાર્ટી ખેડા જિલ્લામાં જોઈએ એવું સંગઠન ઊભું કરી શકી નથી. તો બીજી બાજુ માંડ માંડ સંગઠનમાં જોડાયેલા કાર્યકરો પણ આપનો સાથ છોડી રહ્યા છે. જેને લઈને હવે આમ આદમી પાર્ટી ખેડા જીલ્લામા કાચી પડી રહી છે.

વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ બન્યું રાજનીતિનું મક્કા
જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ કાર્યકરો પક્ષ છોડીને અન્ય પક્ષમાં જવાનો સિલસિલો વધી ગયો છે. એવામાં આજે નડિયાદમા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષ વિપુલભાઈ પટેલનાં હસ્તે કઠલાલ તાલુકાના ફાગવેલ ગામના આમ આદમી પાર્ટીના ખેડા જિલ્લાના ઉપપ્રમુખ ગોવિંદભાઇ રાઠોડ 70 જેટલાં કાર્યકરો સાથે આપનુ ઝાડુ છોડી ભાજપાનો ખેસ ધારણ કર્યો છે. જેને લઈને હવે આમ આદમી પાર્ટીના જીલ્લામા બનેલા સંગઠનમાં જ ગાબડુ પડી ગયુ છે.

ભાજપ કોંગ્રેસ વચ્ચે જિલ્લામાં કાંટે કી ટક્કર
ખેડા જિલ્લાની 6 વિધાનસભા બેઠક પૈકી 3 બેઠક ભાજપ પાસે તો 3 કોંગ્રેસ પાસે છે. એટલે એવુ કહી શકાય કે,આ જીલ્લા પર કોંગ્રેસ અને ભાજપ બન્ને પ્રભુત્વ ધરાવે છે. એવામાં આમ આદમી પાર્ટીને મજબુત સંગઠન બનાવવું મુશ્કેલ રૂપ બની રહ્યુ હોય એમ લાગી રહ્યુ છે. આમ આદમી પાર્ટી પોતાનુ વર્ચસ્વ જમાવવા માટે પ્રયત્નો તો કરી રહી છે , પણ તે પ્રયત્ન સફળ નથી થઈ રહ્યા. અગાઉ પણ યુવા નેતા મહિપતસિંહ ચૌહાણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જેના થોડા દિવસ બાદ જ તેઓએ આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું.

દિલીપ ગઢવી મહિપતસિંહ આપી ચુક્યા છે રાજીનામું
ત્યાર બાદ દિલીપ ગઢવી પણ પાર્ટી પ્રવક્તા પદેથી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના ખેડા જિલ્લા કિસાન સંઘના ઉપપ્રમુખ પણ આમ આદમી પાર્ટી પર હિન્દુ વિરોધી નીતિના આક્ષેપ કરીને પોતાના પદ અને સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું હતુ. ત્યાર બાદ અત્યાર સુધીમાં આશરે 200થી પણ વધુ આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાયા છે. જેને લઈને ખેડા જિલ્લામાં જેટલા જલ્દી કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાતા નથી એટલા જ જલ્દી લોકો રાજીનામાં આપી રહ્યા છે. તેને લઈને ખેડા જિલ્લામાં આમ આદમી પાર્ટી પોતાનું વર્ચસ્વ જમાવી શકે છે કે કેમ તે જ એક સવાલ ઉભો થયો છે.ત્યારે આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કેટલો કમાલ કરી બતાવે છે તે જોવું રસપ્રદ બની રહેશે.

    follow whatsapp