Rajkot: 'હવે કોઈ કાર્યકર્તાઓને ગાળો નહીં આપે', કુંડારિયાની ટિકિટ કપાતા જીતુ સોમાણીનો કટાક્ષ

Gujarat Tak

04 Mar 2024 (अपडेटेड: Mar 4 2024 3:03 PM)

સાંસદ મોહન કુંડારિયાની ટિકિટ કપાતા ભાજપમાં જ તેમના વિરોધ જૂથ મનાતા વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીનું નિવેદન સામે આવ્યું છે, આ નિવેદને ફરી એકવાર ચર્ચા જગાવી છે.

Loksabha Election 2024

મોહન કુંડારિયા vs જીતુ સોમાણી

follow google news

Loksabha Election 2024: રાજકોટ લોકસભા બેઠક પર ભાજપ કોને ટિકિટ આપશે તે અટકળોનો હવે અંત આવ્યો છે અને ભાજપે રાજકોટ લોકસભા બેઠક પર વરિષ્ઠ નેતા પુરુષોત્તમ રૂપાલાને ઉમેદવાર જાહેર કર્યા છે. ત્યારે વર્તમાન સાંસદ મોહન કુંડારિયાની ટિકિટ કપાતા ભાજપમાં જ તેમના વિરોધ જૂથ મનાતા વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીનું નિવેદન સામે આવ્યું છે, આ નિવેદને ફરી એકવાર ચર્ચા જગાવી છે.

આ પણ વાંચો

હવે કાર્યકર્તાઓનું સન્માન જળવાશેઃ જીતુ સોમાણી

MLA જીતુ સોમાણીએ મોહન કુંડારિયાનું નામ લીધા વગર કહ્યું કે,"હાલના કેટલાક નેતાઓ ભાજપ પાર્ટીનું નામ ખરાબ કરતા હતા. સરકારને પણ બદનામ કરી રહ્યા હતા. કાર્યકર્તાઓને અપશબ્દો કહેતા હતા અને ધમકીઓ પણ આપતા હતા. હવે રૂપાલા સાહેબ ઉમેદવાર જાહેર થતાં કાર્યકર્તાઓનું સન્માન જળવાશે.''

'રૂપાલા સાહેબ 5 લાખથી વધુ મતોથી જીતશે'

વધુમાં સોમાણીએ જણાવ્યું કે ''રાજકોટ લોકસભા સીટ પર રૂપાલા સાહેબ 5 લાખથી વધુ મતોથી વિજયી થશે તે પણ નિશ્ચિત છે." ત્યારે ફરી એકવાર જીતુ સોમણીના આ નિવેદન પરથી સ્પષ્ટ થયું છે કે ભાજપના જ આ બંને મોટા નેતાઓ વચ્ચે કંઈ હદે ગજગ્રાહ ચાલી રહ્યો છે. 

અગાઉ એકબીજા વિરુદ્ધમાં આપ્યા હતા નિવેદનો 

જોકે,  આ પહેલી વખત નથી કે ભાજપના જ બંને નેતાઓ દ્વારા એકબીજા સામે જાહેરમાં નિવેદનો આપ્યા હોય. અગાઉ પણ અનેક વખત બંને નેતાઓએ એક બીજા વિરુદ્ધમાં નિવેદનો આપ્યા છે. થોડા સમય અગાઉ જ્યારે વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહ ઝાલાને જ્યારે ભાજપના રાજ્યસભાના ઉમેદવાર જાહેર કરાયા ત્યારે પણ કુંડારિયા અને સોમાણી બંનેએ એકબીજા વિરુદ્ધમાં નિવેદનો આપ્યા હતા.

ભાજપના 2 મોટા નેતાઓ વચ્ચે જૂથવાદ 

મહત્વનું છે કે કેસરીદેવસિંહ અને મોહન કુંડારિયા એક જૂથમાં છે. કેસરીદેવસિંહના અભિવાદન સમારોહમાં જીતુ સોમાણી હજાર નહોતા રહ્યા ત્યારે જીતુ સોમાણીને કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે હું ધારાસભ્ય બન્યો ત્યારે તેઓ મારા અભિવાદનમાં હાજર નહોતા રહ્યા જેથી હું પણ હાજર નહોતો રહ્યો. આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે મોરબી જિલ્લા ભાજપના 2 મોટા નેતાઓ વચ્ચે જૂથવાદ ચાલી રહ્યો છે અને તેમના અલગ અલગ જૂથ છે. આ જૂથવાદની સીધી અસર મોરબી જિલ્લા ભાજપ પર થઈ રહી છે. તેથી જોવાનું રહેશે કે પ્રદેશ ભાજપ આ બંને નેતાઓ વચ્ચેનો જૂથવાદ કંઈ રીતે સમાપ્ત કરે છે.

રિપોર્ટઃ રોનક મજીઠિયા, રાજકોટ 

    follow whatsapp